માથા ફરેલા દારૂડિયા શખ્સે બાચકું ભરી દેશી દારૂનું વેચાણ કરતા પોલીસે દબોચ્યો
મોરબીના નગર દરવાજા ચોકમાં આજે દારૂડિયા શખ્સે છડે ચોક દેશી દારૂની કોથળીઓ વેચવાનું શરૂ કરી હાલો ભાઈ પચાસની ત્રણ-પચાસની ત્રણ…બોલી ખુલ્લે આમ દારૂનો વેપલો શરૂ કરતાં કાયદો વ્યવસ્થાના લીરા ઉડયા હતા.
જાણવા મળ્યા મુજબ આજે મોરબીના ટ્રાફિકથી ધમધમતા નગર દરવાજા ચોકમાં એક દારૂડિયા શખ્સે ડીંગલ કરી પોલીસને પડકાર ફેકતો હોય એમ ખુલ્લે આમ રૂપિયા પચાસમાં ત્રણ દારૂની કોથળીઓનું વેચાણ શરૂ કર્યું હતું, દારૂડિયાની આવી હિંમત જોઈ લોકો પણ ટોળે વળ્યાં હતા અને તમાશો નિહાળ્યો હતો.
જો કે બાદ માં પોલીસ આવી હતી અને દારૂડિયા શખ્સના કબ્જામાં રહેલ દારૂ સાથે ઝડપી લીધો હતો, પરંતું આમ છતાં નશામાં ભાન ભૂલેલા આ શખ્સે પોલીસના બાઇક પાછળ બેઠા-બેઠા પણ પચાસની ત્રણ-પચાસની ત્રણની બુમો ચાલુ રાખી હતી.દરમિયાન એ ડિવિઝન પોલીસે આ માથા ફરેલા શખ્સને દબોચી લઈ પોલીસ મથકે લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.