સૌરાષ્ટ્રના લોકપ્રિય ગોરસ લોકમેળાનું મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઉદઘાટન કરાયું
સમારોહમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ
સૌપ્રથમ મેળાને પ્લાસ્ટિક-ફ્રી બનાવવાની પ્રેરક પહેલ: પ્લાસ્ટિકના વેંચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ
સૌરાષ્ટ્રના લોકપ્રિય એવા ‘ગોરસ લોકમેળા’નો આજથી ધમાકેદાર પ્રારંભ થયો છે. મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મેળાના ઉદઘાટન સમારોહમાં અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આજથી શરૂ થયેલો ગોરસ મેળો પાંચ દિવસ સુધી લોકોને મોજ કરાવશે.
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી નિમિતે ‘ગોરસ’ લોકમેળાનું આયોજન કરાયું છે. લોકમેળાનો આજથી પ્રારંભ થયો છે. પાંચ દિવસીય આ મેળાનું રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય તેમજ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા, મ્યુ.કમિ. બંછાનીધી પાની, પો.કમિ. મનોજ અગ્રવાલ, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા તેમજ ધનસુખ ભંડેરી અને રાજુભાઈ ધ્રુવ સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગોરસ લોકમેળામાં ૩૫૦થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે ઉપરાંત ૬૦ થી વધુ રાઈડસ ઉપલબ્ધ છે. આગામી ૫મી સપ્ટેમ્બરે ગોરસ લોકમેળાનું સમાપન થશે. સતત પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્રના લોકો ગોરસ લોકમેળાને દર વર્ષની જેમ આ વર્ષે મન ભરીને માણશે. લોકમેળામાં તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાને લઈ જવાનોનો મોટો કાફલો તૈનાત રાખવામાં આવ્યો છે. રાજકોટની શાન ગણાતા આ લોકમેળામાં લાખોની જનમેદની ઉમટી પડી મોજ માણશે.
તા.૫ સુધી યોજાનાર ગોરસ લોકમેળામાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. લોકોને અગવડતા ન પડે તે માટેની ખાસ તકેદારી પણ રાખવામાં આવી છે. ગોરસ લોકમેળાને પ્લાસ્ટીક ફ્રી મેળો પણ જાહેર કરવામાં આવ્યો છે. લોકમેળામાં પ્લાસ્ટીકનો ઉપયોગ અને વેચાણ ન થાય તે માટે મહાપાલિકાની ટીમને કાર્યરત રાખવામાં આવી છે. આ મેળામાં સૌરાષ્ટ્રભરના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડશે. આજે સવારથી જ ગોરસ લોકમેળો બાળકોના કિલકિલાટ અને ચીચીયારીઓથી ગુંજી ઉઠયો છે.