હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી રાજીનામા બાદ રાજકારણમાં જબ્બર ગરમાવો: ગુજરાતની રાજનીતીમાં નવા-જૂનીના એંધાણ
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઉપરાંત પ્રાથમિક સભ્યપદેથી આજે હાર્દિક પટેલે રાજીનામા ધરી દેતા ગુજરાતના રાજકારણમાં જબ્બરો ભૂકંપ સર્જાયો છે. હાર્દિક પટેલ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ તેવી સંભાવના પણ પ્રબળ બની રહી છે. દરમિયાન આજે હાર્દિક રાજીનામા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારીથી લઇ પ્રવક્તાઓ સુધી તમામે હાર્દિક પર તડાપીટ બોલાવી છે. ગુજરાતના પ્રભારી ડો.રઘુ શર્માએ એવું નિવેદન આપ્યું છે કે કદાવર પાટીદાર નેતા નરેશભાઇ પટેલ કોંગ્રેસમાં છોડાઇ રહ્યા હોવાના કારણે હાર્દિકે કોંગ્રેસે છોડ્યુ છે અને પક્ષ સાથે મોટી છેતરપીંડી કરી છે. હાર્દિકના જવાથી કોંગ્રેસને કોઇપણ પ્રકારની નુકશાની નહીં થાય તેવો દાવો પણ પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસના પ્રવક્તાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે જે બાળકને ખોળામાં બેસાડીને રમાડવો જોઇએ તેને અમે કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતાં. હાર્દિકના કોંગ્રેસ છોડવાથી જાણે ગુજરાતના રાજકારણમાં જબ્બરો ભૂકંપ આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાવવાનો પ્રયાસ કરે તે પૂર્વે ભાજપના નેતાઓએ તેના માટે દરવાજા બંધ કરી દીધા હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના અરૂણ પટેલે આજે એવું નિવદેન આપ્યું હતું કે હાર્દિક ભાજપમાં જોડાઇ તેમાં પક્ષના કાર્યકરોમાં રતિભારની પણ ખુશાલી નથી. હાર્દિક માટે જાયે તો જાયે કર્હાં જેવી સ્થિતિનું નિર્માણ થઇ ગયું છે. જે રીતે હાર્દિકની રાજકીય કારર્કિદીનું સર્જન થયું હતું તે રીતે જ વિસર્જન પણ થવા જઇ રહ્યું છે.
પાટીદાર અનામત આંદોલન થકી ગુજરાતમાં હિરો બની ગયેલા અને રાજનીતિમાં પગ પેસારો કરી કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ સુધીના ઉચ્ચ હોદા સુધી પહોચેલા હાર્દિક પટેલે અંતે આજે સવારે કોંગ્રેસના તમામ પદોથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનીયા ગાંધીને તેઓએ રાજીનામું આપતો પત્ર આપી સોશિયલ મીડીયા પર વાયરલ કર્યો હતો હવે હાર્દિક કોનો પાલવ પકડશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં હાર્દિકનો હરિસર ખાટો થઈ ગયો હતો.
કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હોવા છતાં હાર્દિકને પુરતુ માન સન્માન મળતુ નહોવાના કારણે તેઓ કોંગ્રેસની ટીકા અને ભાજપના વખાણ કરતા હતા તાજેતરમાં તેઓએ નરેશભાઈ પટેલ સાથષ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકના ત્રણ દિવસ બાદ હાર્દિકે કોંગ્રેસના પ્રાથમિક સહિતના તમામ સભ્યો પરથી રાજીનામું ફગાવી દીધું છે. આ ઘટના પરથી બીજી એક વાત પણ પ્રસ્થાપીત થઈ છે કે હવે નરેશભાઈ પટેલપણ કોંગ્રેસનો પંજો પકડે તે સંભાવના નહિવત થઈ જવા પામી છે.
હવે હાર્દિક પટેલ કયાં પક્ષનો પાલવ પકડશે તેના પર રાજકીય પંડિતોની મીટ મંડાયેલી રહેશે હાર્દિકનો ઝુકાવ ભાજપ તરફ વધુ છે. પરંતુ ભૂતકાળમાં હાર્દિકના કારણે પક્ષને થયેલી નુકશાની ને ધ્યાનમાં રાખી ભાજપ હાર્દિકને કેસરીયા કરાવે તેવી સંભાવના પણ ખૂબજ ઓછી છે. હવે તેના માટે એક માત્ર ‘આપ’માં જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. લોકો હંમેશા ઉગતા સૂર્યની પૂજા કરે છે.
હાર્દિકનો સૂર્ય આથમી રહ્યો આવામાં વિધાનસભા 2017ની ચૂંટણીમાં જેને હાર્દિકના કહેવાથી કોંગ્રેસે ટિકિટ આપી હતી અને જે કાર્યકરો ધારાસભ્ય બન્યા હતા. તેને પણ હવે હાર્દિક તરફથી મોઢુૂ ફેરવી લીધું છે. હાર્દિકની રાજકીય કારકિર્દીનો અકાળે સૂર્યાસ્ત થઈ જશે તે સમય જ બતાવશે.
કોંગ્રેસના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને સંબોધીને લખેલા પત્રમાં હાર્દિક પટેલે જણાવ્યુંં છે કે, ઘણા પ્રયત્નો પછી પણ કોંગ્રેસ પક્ષ દ્વારા દેશ અને સમાજના હિતની તદ્દન વિરુદ્ધના કાર્યોને કારણે કેટલીક બાબતો તમારા ધ્યાન પર લાવવી અત્યંત જરૂરી બની ગઇ છે.
આ 21 મી સદી છે અને ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. દેશના યુવાનોને સક્ષમ અને મજબૂત નેતૃત્વ જોઇએ છે . છેલ્લા લગભગ 3 વર્ષમાં મેં જોયું છે કે મેં જોયું છે કે કોંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ પુરતી સીમિત રહી ગઈ છે, જ્યારે દેશની જનતાને એવા વિકલ્પની જરૂર છે જે તેમના ભવિષ્ય વિશે વિચારે , દેશને આગળ લઈ જવાની ક્ષમતા રાખે . અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર હોય , ઈઅઅ – ગછઈ નો મુદ્દો હોય , જમ્મુ – કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાત હોય કે ૠજઝ લાગુ કરવાની હોય , દેશ લાંબા સમયથી તેનો ઉકેલ ઇચ્છતો હતો અને કોંગ્રેસ પાર્ટી માત્ર તેમાં અડચણરૂપ બનવાનું કામ કરતી રહી . ભારત હોય ગુજરાત હોય કે મારો પાટીદાર સમાજ હોય દરેક મુદ્દે કોંગ્રેસનું સ્ટેન્ડ કેન્દ્ર સરકારનો વિરોધ કરવા પૂરતું જ સીમિત રહ્યું દેશના લગભગ દરેક રાજ્યમાં કોંગ્રેસને જનતાએ નકારી કાઢી છે કારણ કે કોંગ્રેસ પક્ષ અને પક્ષનું નેતૃત્વ જનતા સમક્ષ પાયાનો રોડમેપ પણ રજૂ કરી શક્યું નથી.
કોંગ્રેસ પક્ષની ટોચની નેતાગીરીમાં કોઇપણ મુદ્દા પ્રત્યે ગંભીરતાનો અભાવ એ મોટો મુદ્દો છે . હું જ્યારે પણ પાર્ટીની ટોચની નેતાગીરીને મળતો ત્યારે એવું લાગતું હતું કે તેઓનું ધ્યાન ગુજરાત અને પક્ષની જનતાની સમસ્યાઓ સાંભળવા કરતાં તેમના પોતાના મોબાઈલ અને અન્ય બાબતો પર વધારે રહેતું . જયારે પણ દેશ મુશ્કેલીમાં હતો કે કોંગ્રેસને નેતૃત્વની સૌથી વધુ જરૂર હતી ત્યારે અમારા નેતાઓ વિદેશમાં હતા . ટોચનું નેતૃત્વ ગુજરાત પ્રત્યે એવું વર્તન કરી રહ્યું છે કે જાણે તેઓ ગુજરાત અને ગુજરાતીઓને નફરત કરતા હોય . તો કોંગ્રેસ કેવી રીતે અપેક્ષા રાખે છે કે ગુજરાતની જનતા તેમને વિકલ્પ તરીકે જોવે
દુ:ખ થાય છે જયારે અમારા જેવા કાર્યકરો પોતાની ગાડી લઈને રોજના 500-600 કિમીનો પ્રવાસ પોતાના ખર્ચે કરે છે , લોકોની વચ્ચે જાય છે અને ગુજરાતના મોટા નેતાઓ પ્રજાના પ્રશ્ર્નોથી દૂર રહે છે અને માત્ર એ બાબત પર વધારે ધ્યાન આપે છે કે દિલ્હીથી આવેલા નેતાને તેમની ચિકન સેન્ડવિચ સમયસર મળી કે નહીં . હું જ્યારે પણ યુવાનો વચ્ચે જતો ત્યારે બધાએ એક જ વાત કહી કે તમે આવી પાર્ટીમાં કેમ છો , જે દરેક રીતે ગુજરાતીઓનું જ અપમાન કરે છે . પછી ભલે તે ઉધોગ ક્ષેત્રે હોય , ધાર્મિક ક્ષેત્રમાં હોય કે પછી તે રાજકારણના ક્ષેત્રમાં હોય . મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ પણ યુવાનોનો ભરોસો તોડ્યો છે , જેના કારણે આજે કોઈ યુવા કોંગ્રેસ સાથે પોતાને જોવા પણ નથી માંગતો.
મારે અત્યંત દુખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતમાં દરેક વ્યક્તિ જાણે છે કે કેવી રીતે કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઇને ગુજરાતની જનતાના પ્રશ્ર્નોને નબળો પાડ્યો છે અને તેના બદલામાં પોતે જ મોટો આર્થિક કાયદો ઉઠાવ્યો છે . રાજકીય વિચારધારા ભલે જુદી હોય , પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આ રીતે વેચાઇ જવું એ રાજ્યની જનતા સાથે મોટો વિશ્વાસઘાત છે.
રાજકારણમાં સક્રિય દરેક વ્યક્તિનો ધર્મ હોય છે કે જનતા માટે કામ કરતા રહે , પરંતુ અફસોસની વાત એ છે કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતની જનતા માટે કંઈ જ સારું કરવા માંગતી નથી . તેથી જ્યારે પણ હું ગુજરાતની જનતા માટે કંઈક કરવા માંગતો હતો ત્યારે પાર્ટીએ મારી અવગણના જ કરી છે . મેં ક્યારેય વિચાર્યું નહોતું કે કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ અમારા રાજ્ય , અમારા સમાજ અને ખાસ કરીને યુવાનો પ્રત્યે આટલો દ્વેષ પોતાના મનમાં રાખે છે.
આજે ખૂબ હિંમત કરીને હું કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું . મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતના લોકો આવકારશે . હું એમ પણ માનું છું કે મારા આ પગલા પછી હું ભવિષ્યમાં સમગ્ર ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ . જનતા તરફથી મને મળેલ પ્રેમનું ઋણ હું હંમેશા ચૂકવવાનો પ્રયત્ન કરીશ .
હાર્દિક પટેલ 28મીએ વડાપ્રધાનના હસ્તે કેસરિયા કરે તેવી પ્રબળ સંભાવના
હાર્દિક પટેલે આજે કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. તેઓએ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઉપરાંત પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી ભારોભાર નારાજ એવો હાર્દિક જે એક સમયે ભાજપને બેફામ ભાંડતો હતો તે છેલ્લાં ઘણા સમયથી બે મોંઢે ભાજપના વખાણ કરી રહ્યાં છે. કોંગ્રેસનો સાથ છોડી દેનાર હાર્દિક પટેલ આગામી 28મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આટકોટ ખાતે હોસ્પિટલના લોકાર્પણ માટે આવી રહ્યાં છે.
ત્યારે તેઓના હસ્તે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. છેલ્લાં ઘણા સમયથી હાર્દિકના મોંઢે માત્ર ભાજપના જ ગુણગાન ગવાતા હતા. હવે હાર્દિકે કોંગ્રેસનો હાથ વિધિવત રીતે છોડી દીધો છે. જો કે, ભાજપમાં તેઓએ જોડાશે તેવી કોઇ જ પ્રકારની સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ હાલના સંજોગો જોતા એવું લાગી રહ્યું છે કે હાર્દિક પટેલ પોતાની રાજકીય કારર્કિદીને જો આગળ વધારવી હશે તો ભાજપમાં જોડાવવા સિવાય કોઇ છૂટકો નથી. આગામી 28મીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
તેઓ આટકોટ ખાતે કે.ડી. પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે. ત્યારે પીએમ હાજરીમાં હાર્દિક પટેલ ઉપરાંત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લે તેવી સંભાવના જણાઇ રહી છે. રાજકીય પંડિતોમાં થતી ચર્ચા મુજબ હાર્દિકની સાથે નરેશ પટેલ પણ કેસરિયા કરે તેવી સંભાવના વધુ પ્રબળ જણાઇ રહી છે.
કોંગ્રેસે હાર્દિકને પ્રતિષ્ઠાભર્યું સ્થાન આપ્યું પરંતુ જો તેને અસંતોષ હોય તો તે તેની સમજ છે: પ્રદિપ ત્રિવેદી
અબતક સાથેની વાતચિતમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતુકે હાર્દિક પટેલનું નેતૃત્વ એ સામાજીક મુદાના આંદોલનમાંથી ઉદભવ્યું હતુ લોકોનું માન રાખી કોંગ્રેસમાં તેમને પ્રતિષ્ઠાભર્યું સ્થાન આપ્યું હતુ પરંતુ જો આ હોદાને લઈને હાર્દિક પટેલને અસંતોષ રહ્યો હોય તો તે તેની સમજ છે.ત્યારે હું ચોકકસ માનું છું કે છેલ્લા પાંચ વર્ષમાં ભાજપએ યુવાઓને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કર્યું છે.
ભાજપનું છેલ્લા 25 વર્ષથી શાસન છે. ત્યારે પોતાની કામગીરીથી લોકોના દિલ જીતવાના બદલે છેલ્લા 10 વર્ષમાં આગેવાનો ધારાસભ્યોને ખરીદ વેચાણ સંઘ બની ખણીદ વેચાણ કરી તેમના પર ખોટા પ્રયોગો કરી ખોટી ફરિયાદો કેસો કરી નેતાઓ ઉભરતા આગેવાનોને વિચલીત કરવાનો પ્રયત્નો કરે છે.ત્યારે હું ચોકકસ માનુ છું કે ચૂંટણી નજીક હોવાથી જે ભાજપની મનોદશામાં હોય તો ચોકકસ પણે પ્રજાનો મિજાજ પારખી ચૂંકયા છેઆ વખતે પ્રજા પરિવર્તનના સંકેત સાથે આગળ વધી રહી છે. જેહું વીસ વર્ષથી જોતો આવ્યો છું કે કોઈ પણ પક્ષ હોય કઠોર પરિશ્રમ કરવાને બદલે તમામ લોકોને કાર્યકર્તાને બદલે સીધા નેતા બનીને છવાઈ જવાનો મોહ હોઈ છે તેજ વ્યકિત શ્રેષ્ઠ નેતા બની શકે છે. જે શ્રેષ્ઠ કાર્યકર બને ત્યારે આજે મારી જાતને કાર્યકર તરીકે ગણું છું.
હાર્દિક પટેલનું આ પગલુ તેના માટે આત્મઘાતી સાબિત થશે: મહેશ રાજપૂત
અબતક સાથેની વાતચીતમા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજપૂતે જણાવ્યું હતુ કે હાર્દિક પટેલે પોતાના વિચારોથી રાજીનામું આપ્યું છે હવે પાર્ટી વિચારીને તેનું રાજીનામું મંજૂર કરે કે ના કરે તે પછીની વાત છે. હાર્દિક પટેલનું પગલુ પોતાના માટે આત્મઘાતીક સાબીત થશે. કારણ કે પરિવારમાં હંમેશા સંયુકત નિર્ણય લેવાતો હોય.
હાર્દિક પટેલને કોંગ્રેસે નાની ઉંમરમાં ઘણુ બધુ આપ્યું છે તે પચાવું કોઈ પણ વ્યકિત માટે તકલીફ વાળુ હોય છે ત્યારે હું માનું છું કા મારા નાનાભાઈથી પાચન નથી થયું અથવા જે કોઈ તેને ગાઈડલાઈન્સ આપતું હોય તો તે હાર્દિક માટે ખરાબ ગાઈડલાઈન્સ આપી રહ્યું છે.મત ભેદ હોઈ શકે વિચાર ભેદ હોઈ શકે પરંતુ મનભેદ હજુસુધી કોઈ મોટા ગજાના નેતાઓમાં બન્યું નથી.
સમાજનું રાજકારણ કરતા હોય સમાજમાં આગેવાન બન્યા હોય ત્યારે અલગ સ્વરૂપ હોય જયારે જાહેર જીવનમાં તમામ જ્ઞાતીઓને સાથે લઈને ચાલવાનુંહોય ત્યારે જીવન અલગ હોય તે ભેદ હાર્દિકભાઈ જોઈ નથી શકયા તે ભેદની ખબર નથી પડી.કોંગ્રેસમા કાર્યકરને કાર્યકરની ખબર હોય નેતાને નેતાની ખબર હોય. પરિવારમાં દરેક મેમ્બર હોય કોઈ ધંધા પર બેસે, કોઈઘર સંભાળે, કોઈ બધાની સુરક્ષા સંભાળે જરૂરી નથી કે નેતા કે કાર્યકર પરિવારનો અન્ય એક પરિવારનો હોય છે.