જિલ્લા પુરવઠા અધિકારીએ જાતે દરોડો પાડી ૬૧ હજારનું અનાજ, કેરોસીન સીઝ કર્યું
શહેરના થોરાળા વિસ્તારમાં આવેલ સસ્તા અનાજના વિક્રેતા દ્વારા ગ્રાહકોને નિયમ વિરુધ્ધ જઈ ઓછુ અનાજ કેરોસીન આપવામાં આવતું હોવાની ફરિયાદ મળતા ગઈકાલે ખુદ જિલ્લા પુરવઠા અધિકારીએ સસ્તા અનાજની દુકાને દરોડો પાડી રૂ.૬૧ હજારનો અનાજ-કેરોસીનનો જથ્થો સીઝ કરી નાખતા સસ્તા અનાજના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ શહેરના નવા થોરાળા વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા ચાવડા બચુભાઈ ચનાભાઈ નામના પરવાનેદાર ગ્રાહકોને સરકાર દ્વારા અપાતા નિયમ મુજબના જથ્થો બદલે ઓછો જથ્થો આપવામાં આવતો હોવાની જિલ્લા પુરવઠા અધિકારીને લેખીત ફરિયાદ મળતા ગઈકાલે બપોરબાદ જિલ્લા પુરવઠા અધિકારી યોગેશભાઈ જોશી અને પુરવઠા નિરીક્ષક પરસાણીયા તેમજ રાદડીયાએ સસ્તા અનાજની દુકાન ખુલતા જ દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન ચકાસણી કરતા સસ્તા અનાજના આ વેપારી દ્વારા હિસાબી સાહિત્ય નિભાવમાં આવતું ન હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીન સહિતનો રૂ.૬૧ હજારનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સસ્તા અનાજના આ વેપારી વિરુધ્ધ બે વર્ષ અગાઉ પણ ફરિયાદ મળતા દરોડાની કાર્યવાહી બાદ સસ્તા અનાજના વિક્રેતા બચુભાઈ ચનાભાઈ ચાવડાનું લાયસન્સ ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયું હતું. આમ છતાં ભૂતકાળના અનુભવમાંયથી શીખ મેળવવાને બદલે ગ્રાહકોને હેરાન કરવાની નીતિ ચાલુ રાખતા અંતે ગઈકાલે પુરવઠા વિભાગે આકરો મિજાજ દર્શાવી ૬૧ હજારનો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હા ધરતા સસ્તા અનાજના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com