ફરિયાદ મળ્યાના કલાકો બાદ એસ્ટેટ શાખાએ મલબારના બેનરો હટાવવાની તસ્દી લીધી
ગરીબ અને સામાન્ય વ્યકિતની રેકડી કબજે કરી મુછે તા દેતી એસ્ટેટ શાખાને રાજમાર્ગો પર મહાકાય કંપનીઓ દ્વારા ગેરકાયદે ખડકી દીધેલા બેનરો કે કમાનો નજરે પડતી ન હોવાનું આજે વધુ એકવાર પ્રકાશમાં આવ્યું છે. શહેરના યાજ્ઞિક રોડ પર આજે મલબાર નામના એક જવેલર્સ શો-રૂમના ઉદઘાટન માટે બોલીવુડના સ્ટાર અનિલ કપુર રાજકોટની મુલાકાતે આવ્યા હતા. જેને આવકારતા મહાકાય બેનરો અને કમાનો મલબાર નામની કંપની દ્વારા રાજમાર્ગો પર ખડકી દેવામાં આવ્યા હતા છતાં એસ્ટેટ શાખાના નજરે પડયા ન હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુધી ફરિયાદ પહોંચ્યા બાદ શો-રૂમ ઉદ્ઘાટનનો મોટાભાગનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એસ્ટેટ શાખા આ ગેરકાયદે બેનરો હટાવવા માટે ત્રાટકી હતી.
આ પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના યાજ્ઞિક રોડ પર ડી.એચ.કોલેજની બાજુમાં મલબાર કંપની દ્વારા આજે શો-રૂમ શરૂ કરવામાં આવ્યો હતો. જેનું ઉદઘાટન ફિલ્મ સ્ટાર અનિલ કપુરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ માટે સ્ટેજ બનાવવા મલબાર કંપનીએ મહાપાલિકાની એસ્ટેટ શાખા પાસેથી માત્ર એક જ દિવસની મંજુરી લીધી હતી છતાં બે દિવસ પૂર્વે સ્ટેજનું બાંધકામ શરૂ કરી દીધું હતું. સતત ટ્રાફિકથી ધમધમતા યાજ્ઞિક રોડ પર સ્ટેજના બાંધકામના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી છતાં એસ્ટેટ શાખાના નજરે આ વાત ચડી ન હતી. આટલું જ નહીં મલબાર કંપની દ્વારા આજે અનિલ કપુરને આવકારતી કમાનો એરપોર્ટથી કિશાનપરા ચોક અને જિલ્લા પંચાયત ચોકથી શો-રૂમ સુધીના વિસ્તારોમાં અનેક જગ્યાએ ખડકી દેવામાં આવી હતી. આ માટે મહાપાલિકાની એસ્ટેટ શાખાની કોઈ પ્રકારની મંજુરી લેવામાં આવી ન હતી. દરમિયાન કોઈ જાગૃત નાગરીકે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલને ફરિયાદ કરતા ચેરમેનના આદેશ બાદ દબાણ હટાવ શાખાના અધિકારી દિપેન ડોડીયાએ આ ગેરકાયદે ખડકાયેલા કમાન અને બેનરો હટાવવા માટેની કાર્યવાહી હાથધરી હતી.
જયારે બેનરો અને કમાન હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી ત્યાં સુધીમાં તો શો-‚મના ઉદઘાટનનો મોટાભાગનો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો હતો. એસ્ટેટ શાખા દ્વારા એરપોર્ટથી કિશાનપરા ચોક સુધીના વિસ્તારમાંથી ૮ કમાન અને જિલ્લા પંચાયત ચોકથી ડી.એચ.કોલેજ નજીક મલબારના શો-રૂમ સુધીના વિસ્તારમાંથી ૩ સહિત ૧૧ કમાનો જપ્ત કરી લીધી હતી. કંપનીને નોટિસ ફટકારી પેનલ્ટી વસુલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.