કલાનગરી અને સંસ્કાર નગરી એવાં ભાવનગરને આંગણે કાલે મોડી સાંજે એક અદ્કેરો સન્માન- અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. તે સાથે ભાવનગરને આંગણે પ્રથમવાર ભવ્ય અભિવાદન અને ભાતીગળ લોક ડાયરો યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ભાવનગરના વિકાસ માટે અનેક પગલાં લેનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જાહેર સન્માન કરાયું હતું. તો ’ધન્ય છે કિર્તીદાનને’ કાર્યક્રમ સાથે કિર્તીદાન ગઢવીનું ’ગુજરાત ગરિમા એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યું હતું.
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ અને કિર્તીદાન ગુજરાત ગૌરવ સમિતિ આયોજિત આયોજિત આ કાર્યક્રમ મોડી સાંજે ભાવનગરના ચિત્રા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર પાસેના મેદાનમાં યોજાયો હતો.
ભાવનગરને આંગણે પ્રથમવાર ભવ્ય અભિવાદન અને ભાતીગળ લોક ડાયરો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અનેક સંતો- મહંતોની ઉપસ્થિતિમાં આ સન્માન અને અભિવાદન સ્વીકારતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર વિકાસ સાથે સંસ્કાર અને સંસ્કૃતિની વિરાસત જાળવીને વિકાસ કરવા માંગે છે. વિકાસના પણ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસ પથ કંડાર્યો છે તેને ડબલ ગતિથી આગળ લઈ જવો છે. વડાપ્રધાન જે કામ કરતાં હતાં તેને આગળ વધારતાં રાજ્યના કલાકારો પણ હવે જે સંકલ્પ કરે છે તે વિશાળ કરે તેવી કાર્ય સંસ્કૃતિ વિકસીત થઇ છે. જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવીએ દીકરીઓ માટે વડાપ્રધાન જે રીતે સંવેદનશીલ હતાં. તે રીતે દીકરીઓના શિક્ષણ અને ઉન્નતિ માટે રૂ.૧૦૦ કરોડ એકઠા કરવાનો જે સંકલ્પ કર્યો છે તે અભિનંદનને પાત્ર છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, અમારી ડબલ એન્જીનની સરકાર સંસ્કાર અને સંકૃતિના સંવર્ધન સાથે સૌના સાથ- સૌના સહકારથી આગળ વધશે.
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક નવાં ભાવનગરના નિર્માણ માટે ભાવનગર ફરતે રીંગરોડ માટે રૂા. ૨૯૭ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે ત્યારે ભાવનગર નાગરિક સમિતિના વડપણ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જાહેર સન્માન-અભિવાદન ભાવેણાના નાગરિક તરીકે કરીને ગૌરવની લાગણી અનુભવીએ છીએ.
ભાવનગરનું ભવિષ્ય રીંગ રોડ સાથે જોડાયેલું છે. રીંગરોડના નિર્માણ સાથે એક નવાં ભાવનગરનો ઉદય થવાનો છે. આ સંકલ્પ સાથે બીજા અનેકવિધ પ્રકલ્પો પૂરા કરવામાં તથા નવા પ્રકલ્પો માટેની મંજૂરી આપીને મુખ્યમંત્રીએ ભાવનગર માટે અનેક સુવિધાઓ ઉભી કરી છે તેનો ઋણ સ્વીકાર કરીએ છીએ તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
રીંગરોડ કોઈને કોઈ કારણે અટકી રહ્યો હતો પરંતુ તેનું ટેન્ડર ગત ચોથી તારીખે ઓનલાઈન થઈ ગયું છે. મુખ્યમંત્રીએ આ પ્રશ્નનું નિરાકરણ લાવવાં માટે જે પ્રયત્નો કર્યા છે તે માટે આજે તેમનું સન્માન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દીકરીઓના શિક્ષણ માટે અને દીકરીઓ આગળ વધે તે માટે પ્રયત્નો હાથ ધરતાં હતાં. તેને આગળ વધારતાં કીર્તિદાનભાઈએ દીકરીઓ માટે રૂ.૧૦૦ કરોડ ઉભા કરવાનો જે સંકલ્પ કર્યો છે તે આવકારદાયક છે. કીર્તિદાનભાઈનું સન્માન એ કલાકારોના વિચારોનું સન્માન છે.ગુજરાતની સંકૃતિને જાગતી અને જીવતી રાખવાનું સન્માન છે તેમ તેમને વધુમાં ઉમેર્યું હતું.
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કિર્તીદાન ગઢવી વિશે જણાવ્યું કે, તેમણે દીકરીઓના સન્માન માટે, દીકરીઓને અભ્યાસ અને અન્ય રીતે ઉપયોગી બની શકાય તે માટે રૂા. ૧૦૦ કરોડની સખાવત એકત્ર કરવાનો સંકલ્પ લીધેલો છે.
આ સંકલ્પ બહુ મહત્વપૂર્ણ છે તેમણે આ કાર્ય માટે અમેરિકામાં એક જ ટ્રીપમાં અનેક કાર્યક્રમો કરીને રૂા. ૧૦ કરોડ જેવી માતદાર રકમ અત્યાર સુધીમાં એકત્ર કરી દીધી છે અને હજુ પણ તેઓ તેમનું અભિયાન આગળ ચલાવી રહ્યાં છે તે માટે તેમનું પણ જાહેર સન્માન કરવું જરૂરી છે કારણ કે તેમના કાર્યથી અનેક લોકોને પ્રેરણાં મળવાની છે.
જાણીતા ગાયક કીર્તિદાન ગઢવીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે, આજે થયેલું મારૂ સન્માન એ સમગ્ર ગુજરાતના કલાકારોનું અને તેમની કલાનું સન્માન છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રસિદ્ધ લોક ગાયક કિર્તીદાન ગઢવીએ દીકરીઓ માટે રૂા. ૧૦૦ કરોડની નિધિ એકત્ર કરવાના શુભ સંકલ્પનું સન્માન કરવાં માટે આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જેમાં કિર્તીદાન ગઢવીએ સૌ પ્રથમ વખત ફ્યુઝન મેશ અપ અવતારમાં પોતાની નવતર કલાની પ્રસ્તુતિ રજૂ કરીને શ્રોતાઓને રસતળબોળ કરી દીધાં હતાં. તેમજ તેમને મહાનુભાવોના હસ્તે ’ગુજરાત ગરિમા એવોર્ડ’ થી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મંત્રીઓએ આ કાર્યક્રમમાં પધારેલા સંતો- મહંતોનું શાલ અને ફૂલહારથી અભિવાદન કર્યું હતું.
ગુજરાતના ખ્યાતનામ કલાકારો જેવાં કે, સાઈરામ દવે, પાર્થિવ ગોહિલ, માયાભાઇ આહીર, રાજભા ગઢવી, જીગ્નેશ કવિરાજ, હરેશદાન સુરૂ, હાર્દિક દવે, ગીતાબા ઝાલા, ઉર્વશીબેન રાદડિયા, ઈશાની દવે સહિતના કલાકારો ’રઢિયાળી રાત’ અંતર્ગત ભવ્ય લોક ડાયરાની પ્રસ્તુતિ રજૂ કરી અનેક કલાકારોએ તેમની કલાના કામણ પાથરી ભાવનગરની જનતાને પોતાની કલાથી મંત્રમુગ્ધ કર્યાં હતાં.
આ અવસરે પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપભાઈ પરમાર, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડીયા, શિક્ષણ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલા, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર, સાંસદ મતી ડો.ભારતીબેન શિયાળ, ધારાસભ્ય સુ વિભાવરીબેન દવે, કેશુભાઈ નાકરાણી, મેયર મતી કિર્તીબાળા દાણીધારીયા, ડે. મેયર કૃણાલકુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, મ્યુનિસિપલ કમિશનર એન.વી.ઉપાધ્યાય, કલેક્ટર યોગેશ નિરગુડે, રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, પ્રાથમિક નગરપાલિકા કમિશનર અજય દહિંયા, જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ, જાણીતા લોકસાહિત્યકાર માયાભાઇ આહિર, સંતો- મહંતો, ભાવનગરના ગણમાન્ય નાગરિકો અને ભાવનગરની જનતા મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી હતી