ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ઇલેક્ટ્રોનિક મીડિયા સમક્ષ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહને ગાંધીનગરથી ચૂંટણી લડાવવાના કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નિર્ણયને આવકારી આનંદ સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત પ્રદેશ ભાજપા ચૂંટણી સમિતિએ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડે તેવા આગ્રહ અને વિનંતી સાથે ઠરાવ પસાર કર્યો હતો, જેને ધ્યાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ તથા સ્વયં અમિતભાઇ શાહે આ લાગણીનો સહર્ષ સ્વીકાર કર્યો હતો, જે અમારા માટે ખૂબ આનંદની વાત છે.
વાઘાણીએ અંત:કરણપૂર્વક ખૂશી વ્યક્ત કરતા વધુમાં જણાવ્યુ હતુ કે, બૂથના કાર્યકર્તા તરીકે જનસેવાની શરૂઆત કરનાર અમિતભાઇ શાહ તેમની મહેનત, વિચક્ષણ બુધ્ધિક્ષમતા અને સંગઠનની કુનેહના આધારે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે.
વાઘાણીએ અંતમાં જણાવ્યુ હતુ કે, આજે કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવા જઇ રહી છે, જેમાં ગુજરાતની બાકી રહેલ ૨૫ લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામની ચર્ચા-વિચારણા કરવામાં આવશે.