આજ ન છોડેંગે બસ હમ જોલી…ખેલેંગે હમ હોલી
હાયડા, ખફભજુર, ધાણી, પીચકારીઓ અને રંગોથી બજાર છલકાઈ
આમ પણ રાજકોટવાસીઓને રંગીલા શહેરીજનો કહેવામાં આવે છે ત્યારે બારેમાસ મોજના રંગે રમતા રાજકોટવાસીઓ ધુળેટી માટે બજારમાં ધુમ ખરીદી કરી રહ્યા છે. ભારતને તહેવારોનો દેશ માનવામાં આવે છે. તેમાં પણ તહેવારો દીઠ રંગોનું પણ અનેરું મહત્વ રહેલું છે. ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસના તહેવાર હુતાસણી અને પડવાના નામે સૌરાષ્ટ્રભરમાં ઓળખાય છે ત્યારે લઈ ડી.જે. ધુળેટી માટેની તૈયારીઓ લોકો કરી રહ્યા છે.
હર્ષો ઉલ્લાસથી ભેગા મળીને એકબીજા પર ગુલાલ, પાણી, રંગો, કેસુડા અને વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે. મોજ, મસ્તી અને મનોરંજનના પર્વ માટે બજારમાં રંગબેરંગી કલરો જેમાં હર્બલ કલર, કેસુડો, ગેરુ, વિવિધ પ્રકારના રંગો, મોટુ પતલુ, વિરાટ કોહલી, બાહુબલી એવી વિવિધ પ્રકારની પીચકારીઓ બજારમાં આવી છે જેની લોકો ધુમ ખરીદી કરી રહ્યા છે.
આ ઉપરાંત બજારમાં ધાણી, ચણા, ખજુર, હાયડા, પતાસા, સુકા નારીયેળ, મકાઈ જેવી વસ્તુઓનું વેચાણ વઘ્યું છે ત્યારે લોકોમાં ધુળેટી પર્વને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે કેટલાક લોકો ડી.જે. સંગ હોલી અને પાર્ટી પ્લોટોમાં મોંઘીદાટ ધુળેટી ઉજવશે તો કેટલાક નિર્દોષ બાળકો એકબીજા ઉપર રંગો ઉડાડી ઉત્સાહની ઉજવણી કરશે તો કેટલાક સ્થળોએ પરંપરાગત કેસુડાના રંગોથી પણ હોળી રમાશે. જીવનની રંગીન ખુશીઓને સમેટવાના પર્વને નિર્દોષ રંગોના સથવારે નિજાનંદના સાનિઘ્યમાં પ્રેમથી માણવાના અવસર તરીકે લોકો આવકારી રહ્યા છે અને ખરીદીમાં મશગુલ બન્યા છે.