સમયસર સારવાર ન મળતાં અને ડોકટરની બેદરકારી આધેડનો જીવ લીધો: પરિવારમાં રોષ
થાનગઢના આધેડને ગઇ કાલે જાડા – ઉલ્ટી થતા તેઓને સારવાર માટે રાજકોટની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ સમયસર સારવાર ન આપતા આધેડે જીવ ગુમાવ્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ થાનગઢમાં રહેતા અને મજૂરી કામ કરતા હરેશભાઈ મુળજીભાઈ સાગઠીયા નામના 42 વર્ષના આધેડને ગઇ કાલે વહેલી સવારથી જાડા – ઉલ્ટી થતા તેમને થાનગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હરેશભાઇ હાલત અતિ ગંભીર હોવાથી તેમને ગઇ કાલે રજા હોવાથી તેમને ઇમરજન્સીમાં લઈ આવ્યા હતા. જ્યાંથી તેઓને 11 નંબરના વોર્ડમાં ખેડવામાં આવ્યા હતા. પરંતુ વોર્ડ નંબર 11માં કોઈ પણ તબીબ હાજર ન હોય જેથી મૃતક હરેશભાઈના ભાઈ સંજયભાઈ સાગઠીયા તબીબને વહેલા બોલાવવા માટે કગરતા રહ્યા હતા. આખરે તબીબે આવી દર્દીને તપાસવાના બદલે ખાલી ઓ આર એસ લખી જતા રહ્યા હતા.
તેમ છતાં પણ હરેશભાઈ હાલત ગંભીર હોવાથી પરિવારજનોની અનેક આજીજી છતાં ડોકટર કોઈ જવાબ ન આપતાં આખરે તેના નાના ભાઈએ તેમને ખાનગી હોસ્પિટલના લઈ જવાનું નક્કી કર્યું હતું. પરંતુ સારવાર મળે તે પહેલા જ આધેડે દમ તોડયો હતો. જેથી પરિવારજનો દ્રારા તબીબો પર આક્ષેપ કરી કાયદેસર પગલાં લેવા માટે જણાવ્યું હતું.