- જિલ્લા કક્ષાએ 12મીએ બાયોડેટા સ્વીકાર્યા બાદ 15મીએ મૂરતિયાનું લીસ્ટ પ્રદેશ હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરાશે
- સિટીંગ ધારાસભ્યોએ બાયોડેટા આપવા નહીં પડે: નારાજ-અસંતુષ્ઠોને મનાવવા તાલુકા કક્ષાએ ડેમેજ ક્ધટ્રોલ કમિટી બનાવાશે
કોંગ્રેસના પ્રતિક પરથી વિધાનસભાની ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોએ આ વખતે શકિત પ્રદર્શન કરતી ટોળા શાહી પ્રક્રિયામાંથી પ્રસાર થવું પડશે નહીં સોનાની લગડી જેવા ઉમેદવારો પસંદ કરી જનતા સમક્ષ રજૂ કરવા કોંગ્રેસે આ વખતે નવી પ્રણાલી અપનાવી છે. વિધાનસભાની ચૂંટણી લડવા ઈચ્છુ કોંગી કાર્યકરોએ આગામી 12મી સપ્ટેમ્બરના રોજ જિલ્લા કાર્યાલય ખાતે પોતાના બાયોડેટા રજૂ કરવાના રહેશે.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ 125 થી વધુ બેઠક સાથે જવલંત વિજય મેળવવાના સંકલ્પ સાથે ચૂંટણી લક્ષી કાર્યક્રમોની શરૂઆત રાહુલ ગાંધીજીએ કરાવ્યા બાદ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ સ્ક્રીનીંગ કમીટી ની અગત્યની બેઠક યોજાઈ હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, પરિવર્તન સંકલ્પ સંમેલનની ભવ્ય સફળતા બાદ કોંગ્રેસ પક્ષ વિધાનસભા ચૂંટણીના ઉમેદવારી પસંદગી માટેના માપદંડ સહિતના જુદા જુદા સુચનો માટે પ્રદેશ સ્ક્રીનીંગ કમીટીની વિશેષ બેઠક યોજાઈ હતી. પ્રદેશ સ્ક્રીનીંગ કમીટીના 42 સભ્યોએ ઉમેદવાર પસંદગી માટેના 130 જેટલા સકારાત્મક સુચનો કર્યા હતા.
વિધાનસભા 2022ની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવવા માંગતા ઉમેદવારોએ બાયોડેટા તા. 12 સપ્ટેમ્બર સુધી જીલ્લા કાર્યાલય ખાતે આપવાનો રહેશે. તેમજ જીલ્લા કાર્યાલયે આવેલા તમામ અરજીઓને તા. 15 સપ્ટેમ્બર સુધી પ્રદેશ કાર્યાલયે મોકલશે. પ્રદેશ સ્ક્રીનીંગ કમીટી તા. 18 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર માટેની અરજીઓની સમીક્ષા કરશે. સાથોસાથ તા. 21, 22, 23 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ પક્ષ દ્વારા નિમાયેલ ઝોનલ ઈન્ચાર્જ, ચૂંટણી સમિતિના સભ્યોના મંતવ્યો – સુચનો જાણશે.
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ઓને આગામી વર્ષ 2022ની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે બાયોડેટા – અરજી આપવાની જરૂર રહેશે નહીં તેવો નિર્ણય સ્ક્રીનીંગ કમીટીના સભ્યો દ્વારા લેવાયો હતો તેમ છતાં સંપૂર્ણ પણે લોકશાહીમાં માનનાર કોંગ્રેસ પક્ષે જે તે વિધાનસભામાંથી ઉમેદવારી કરવા માંગતા યુવાનો પોતાની અરજી – બાયોડેટા જીલ્લા પ્રમુખ ને આપી શકશે તેવો નિર્ણય કર્યો હતો. ઉમેદવાર પસંદગી પ્રક્રિયા સંપૂર્ણ પણે ગુજરાતમાં થશે. નારાજ કે અસંતુષ્ટ આગેવાનોને યોગ્ય સમજાવટ માટે તાલુકા કક્ષાએ નિષ્ઠાવાન સભ્યોની ડેમેજ ક્ધટ્રોલ કમીટી બનાવવામાં આવશે. જેને એ.આઈ.સી.સી.નું નેતૃત્વ પણ દેખરેખ રાખશે.
અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આત્મહત્યા કરેલ પોલીસ જવાન અંગેના પ્રશ્નના જવાબ આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, રાજ્યમાં પોલીસ જવાનોને કેટલીક તકલીફ પડી રહી છે, ગુજરાતનો પોલીસ જવાન પોતાના પરિવાર સાથે આત્મહત્યા કરે તે ગંભીર બાબત છે.
ભ્રષ્ટાચારનો એપીક સેન્ટર એવુ ગૃહવિભાગ બુટલેગરોની વાત સાંભળે, વ્યાજખોરોની વાત સાંભળે, મળતીયાઓની વાત સાંભળે, પરંતુ પોતાના વિભાગના નિષ્ઠાવાન પોલીસ જવાનોની હાલાકી જોતો નથી, અમદાવાદના પોલીસ જવાને પોતાના અંતિમપત્રમાં લખેલી વિગતમાં જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસનો વધુ ‘ગ્રેડ પે’ મળે તે મારી અંતિમ ઈચ્છા છે, અને ઈંઙજ અધિકારીઓ પૈસા બહુ ખાય છે અને તે જ લોકો પગાર વધવા નથી દેતા, જે બાબત ગુજરાતના ગૃહવિભાગના ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પાડે છે ત્યારે ભાજપ સરકાર ગુજરાતના નિષ્ઠાવાન પોલીસ જવાનોને તેમને મળવા પાત્ર હક્ક અને અધિકાર એવા ‘પે ગ્રેડ’ તાત્કાલીક આપે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.