અંદાજે ૨૫૦ જેટલા એકમો બંધ થતા ૨૦૦૦૦ કરતા પણ વધુ લોકોને ગુજરાન ચલાવવામાં મુશ્કેલી
સુરેન્દ્રનગર જિલ્લામાં સિરામીક ઉદ્યોગનગરી તરીકે જાણીતા થાનનો સિરામીક ઉદ્યોગ ટેક્સનાં અજગરી ભરડામાં આવી ગયો છે. બાબતે અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ આવતાં છેવટે મેદાનમાં આવેલા થાનના ઉદ્યોગકારોએ તંત્ર સામે બાયો ચડાવીને હડતાલ પર ઉતરી કારખાનાઓ બંધ કરી દીધા છે. એક સાથે ૨૫૦ જેટલા એકમો બંધ થઇ જતાં અનેક સમસ્યાઓ સર્જાઇ છે.
થાનના સિરામીક ઉદ્યોગમાં બનતા સેનેટરી વેર્સની ભારતની સાથે વિશ્વનાં અનેક દેશોમાં માંગ છે. દાયકાઓથી થાનમાં ૨૫૦ જેટલા કારખાના રાત દિવસ ધમધમે છે. તેની સાથે શ્રમીકો, ટ્રાન્સફોર્ટ, ખાણીપીણીની વસ્તુ, અનાજ કરીયાણા સહિતનાં અનેક નાના મોટા ધંધાઓ ચાલી રહ્યાં છે. પરંતુ વર્તમાન સમયે એક તરફ ચાઈનાના સેનેટરી વેરનાં આક્રમણે થાનના ઉદ્યોગને ટકવુ મુશ્કેલ બની ગયુ છે. જૂના કર માળખામાં સિરામીક એકમને ૧૫ ટકા કર લાગુ પડતો હતો. જેની સામે ૧૧ ટકા બાદ મળતો હતો. પરંતુ જીએસટી લાગુ થતા જે ૧૧ ટકા રીફંડ મળતુ હતુ તે પણ બંધ થઇ ગયુ. ઉપરાંત ૨૮ ટકા જીએસટી લાગુ કરતા થાનનાં ઉદ્યોગકારોની આર્થિક કમ્મર ભાંગી નાંખી છે. ઉદ્યોગકારોએ અનેક રજૂઆતો કરી પરંતુ અત્યાર સુધી કોઇ પરિણામ ન આવતા ઉદ્યોગકારોએ એક સાથે થાનમાં ૨૫૦ જેટલા ઉદ્યોગો બંધ કરીને હડતાલ પર ઉતરી ગયા છે. ન્યાય મેળવવાની માંગ સાથે થાનનો સિરામીક ઉદ્યોગ ઠપ થઇ જતાં ઉદ્યોગ પર નભતા અનેક લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. તો બીજીબાજુ ઉદ્યોકારો પણ લડી લેવાના મૂડમાં આવી ગયા છે. આથી આગામી દિવસોમાં નવા જૂની થવાનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે. સિરામીક ઉદ્યોગ અંદાજે ૭૫ હજારથી વધુ લોકોને રોજીરોટી આપે છે. પરંતુ હડતાલને પગલે લોકોનો રોજીરોટીનો પ્રશ્ન વિકટ બન્યો છે. પરપ્રાંતમાંથી આવેલા લોકો હિજરત કરી રહ્યાં છે. સાથે થાન પંથકનાં ગામડાના લોકો પણ રોજીરોટી વગરના થઇ ગયા છે. થાન સિરામીક ઉદ્યોગમાં કાચો માલ લઇ જવા લાવવાની સાથે પાકો માલ વહન કરવા માટે અંદાજે ૧૫૦ જેટલા મોટા ટ્રક તથા શટલ રિક્ષા સહિતના ૨૫૦ જેટલા વધુ વાહનો રાત દિવસ દોડે છે. પરંતુ હડતાલને પગલે તમામનાં પૈડા થંભી ગયા છે. જેથી ઘણી મુશ્કેલી સર્જાઇ છે. થાન સીરામીક ઉદ્યોગ મંદિના સમયમાં પસાર થઇ રહ્યો છે. આવા સમયે ૨૮ ટકા જીએસટીની સાથે ગેસમાં જે ૧૧ ટકા રીફન્ડ આપતા હતા તે બંધ થતા ૩૯ ટકા તો ટેકસમાં જાય છે. અને આથી જીએસટી ઘટાડવાની માંગણી કરવામાં આવી છે. થાન સિરામીક ઉદ્યોગ બંધ હાલતમાં નજરે પડે છે. સિરામિક આઈટેમનો ખડકલો થયો છે. ટ્રાન્સપોર્ટ વિભાગને પણ અસર થઇ હતી.