રાહુલ મલસાતરે ‘દિવ્યાંગ’ સશકિતકરણ રાષ્ટ્રીય પુરસ્કાર-૨૦૧૯ કેટેગરીમાં ચંદ્રક મેળવ્યો: રાહુલ મલસાતર સાથે શુભેચ્છકો ‘અબતક મીડિયા’ની મુલાકાતે
માનવ જીવન એ ઇશ્ર્વરની અમૂલ્ય દેન છે. પરંતુ કેટલાક લોકો જન્મજાત ખોટ ધરાવતા હોય, ઇશ્ર્વરે મારી સાથે જ આમ કેમ કર્યુ તેવા વિચારથી સતત લધુતાગ્રંથીથી પીડાતા હોય છે. તો કેટલાક ‘પંગુ લંધયતે ગીરીમ’ જેમ, પોતાની શારીરિક ક્ષતિ ભૂલી કોઇ સર્જનાત્મક કાર્ય દ્વારા હમ ‘કીસીસે કમ નહીં’ સૂત્ર સાર્થક કરતા હોય છે.
તેવા જ એક એવા તેજસ્વી, પરાક્રમી ,: હોનહાર અને મકકમ મનના રાહુલ ભરતભાઇ મલસતારે ‘હમ કીસીસે કમ નહી’ સૂત્રને સાર્થક કરેલ છે. એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવી પરિવારને જ નહીં પરંતુ સમગ્ર રાજકોટને ગૌરવ અપાવ્યું છે. તા.૩ ડીસેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ભવન, દિલ્હી ખાતે યોજાયેલા એક જાજરમાન સમારોહમાં રાહુલ ભરતભાઇ મલસાતરને રાષ્ટ્રપતિજી રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુના હસ્તે દિવ્યાંગોની શ્રેણીમાં ભારત સરકારનો સર્વોચ્ચ એવોર્ડ કરવામાં આવ્યો. આ તબકકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ તો રાહુલ પ્રત્યે વિશેષ લાગણી દર્શાવી રાષ્ટ્રપતિ ભવન ખાતે ચા-નાસ્તા માટે આમંત્રીત કરી પ્રોત્સાહન અને આશીર્વાદ પાઠવ્યા હતા. વાર્તાલાપ કર્યો હતો.
મીનીસ્ટ્રી ઓફ સોશ્યલ જસ્ટીસ એન્ડ એમ્પાવરમેન્ટ દ્વારા દિવ્યાંગ સશકિતકરણ હેતુ રાષ્ટ્રપતિ પુરસ્કાર-૨૦૧૯ દર વર્ષે અર્પણ થાય છે. જે આ વર્ષે આદર્શ કર્મચારી તરીકે થેલેસેમીયા પીડીત યુવાન રાહુલ મલસાતરને અર્પણ કરાયો. ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારતમાંથી ૮૫૦ જેટલા આવેદકમાંથી જયુરી કમીટીએ રાહુલની પસંદગી કરી આ અંગે રાજકોટની ર૦૦ જેટલા દિવ્યાંગ બાળકોની સ્કુલ પ્રયાસ સંસ્થાના પુજાબેન પટેલે પણ વિશેષ જહેમત ઉઠાવી હતી. રાજકોટના રોજગાર ખાતાએ પણ સુંદર સહકાર આપી રાહુલની ફાઇલ તૈયાર કરવામાં વિશેષ રસ દાખવ્યો હતો. થેલેસેમીયા પીડીત બાળકોના સર્વાગી કલ્યાણ માટે છેલ્લા ર દાયકાથી સતત કાર્યરત વિવેકાનંદ યુથ કલબના અનુપમ દોશી, સુનીલભાઇ વોરા, નલીનભાઇ તન્ના, ડો. રમેશભાઇ ભાયાણી, જીતુલભાઇ કોટેચા સહીતની સાથી ટીમે પણ રાહુલ અને તેના સમગ્ર પરિવારને અભિનંદન આપ્યા છે.
નાના એવા પરિવારમાં માતા રેખાબેન અને પિતા ભરતભાઇ તેમજ રાહુલના બે મોટા ભાઇઓ કશ્યમ અને રવિ છે. પિતા ભરતભાઇ લોન્ડ્રી કામની આવકમાં ઘરનું ગુજરાન ચલાવે છે. માત્ર ત્રણ મહિનાની નાની ઉંમરમાં જ થેલેસેમીયા રોગ રાહુલને છે તેવો ખ્યાલ આવતા પરિવાર પર આપતીના આભ તૂટી પડયા, આમ છતાં રાહુલના પુરુ એવા રાહુલ પિતાશ્રીએ ઘરના દરેક સભ્યેને આવેલી આપતિને કુદરતની ભેટ સમજીને સ્વીકારી લેવા જણાવ્યું અને ઘરના દરેક સભ્યે રાહુલ પાલન પોષણ અન્ય બાળકોની જેમ જ કર્યુ.
સમય જતાં રાહુલે અંદર રહેલી ડાન્સ કરવાની કળા પર ઘ્યાન આપ્યું. શાળામાં ડાન્સ કર્યુ. અને આ ડાન્સથી શાળા અને પરિવાર ખુબ જ ખુશ થયા અને તેમની આ ખુશીને કાયમ રાખવાનો રાહુલે નિર્ણય કર્યો અને સતત મહેનત કરતો રહ્યો. આ હુન્નરની સામે મારી શારિરિક નબળાઇઓ ગાયબ થઇ ગઇ. અને પોતાના પર જાણે કે કુદરતની મહેરબાની થઇ હોય તેમ એક પછી એક સ્ટેજ પર સફળતા રાહુલ મેળવતો ગયો.
આજ રાહુલ માત્ર એક સારો ડાન્સર જ નહીં પરંતુ કોરીયોગ્રાફર પણ બની ગયો છે. આ ડાન્સ કરવાના હુન્નને કારણે જી ટીવીમાં ડાન્સ ઇન્ડીયા ડાન્સ-૨૦૧૧ સુધી જઇ કોરીયોગ્રાફર રેમો ડીસુઝા અને ટેરેન્સને પણ આશ્ર્ચર્યચકિત કરી દીધા છે. અને મુખ્યમંત્રી વિજયભાઇ પાણી એ પણ રાહુલને પ્રોત્સાહીત કર્યો છે.
હાલમાં રાહુલ મ્યુનિ. કોર્પોરેશન રાજકોટમાં સેનેટરી ઇન્સ્પેકટર તરીકે કાર્ય કરે છે. અને પોતાના પરિવારને નાણાકીય મદદ પણ કરે છે.
રાષ્ટ્રપતિ ચંદ્ર વિજેતા રાહુલ ભરતભાઇ મલસાતરની સાથે ‘અબતક’ની મુલાકાતે સમયે તેના પિતા ભરતભાઇ મલસાતર, માતા રેખાબેન, ભાઇઓ કશ્યમ અને રવિ, પરીવારજનો રણજીત મલસાતર, મિતલ ખેતાણી, પ્રયાસ સંસ્થાના પુજાબેન પટેલ, સહીતનાઓ ઉ૫સ્થિત રહ્યા હતા.