સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની શ્રીનાથજીના હવેલીમાં આવતીકાલે ઠાકોરજીનો 34 મો પાટોત્સવ ભવ્યતાથી ઉજવવામાં આવશે. જસદણની હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે જસદણમાં અંદાજે સવાસો વર્ષ જૂની હવેલી હતી. જેમાં બાલકૃષ્ણલાલજી બિરાજતા હતા આજથી 34 વર્ષ પહેલા એ વખતના વૈષ્ણવ વડીલો ચંદુભાઈ પટેલ, વાડીભાઈ કલ્યાણી, વજુભાઈ પરીખ, બટુકભાઈ કલ્યાણી, મગનભાઈ રાઠોડ, ચીમનભાઈ પટેલ, ગોકળબાપા કંસારા સહિતનાએ બીડું ઝડપી 125 વર્ષ જૂની હવેલીનાં સ્થાને નવી હવેલી બનાવરાવી હતી અને તેમાં શ્રીનાથજીનું નવું સ્વરૂપ પધરાવવામાં આવ્યું હતું.
જેની પ્રતિષ્ઠા કર્યાને 33 વર્ષ પૂર્ણ થતાં હોય 34 મો પાટોત્સવ આવતીકાલે ભવ્યતાથી ઉજવાશે. ચંદુલાલ કાંતિલાલ પટેલ પાટોત્સવ ફંડના ઉપક્રમે હવેલીમાં ઠાકોરજીને બપોરે 12 કલાકે તિલક, નંદમહોત્સવ, રાજભોગ દર્શન વગેરે યોજાશે ત્યારબાદ બપોરે તમામ આમંત્રિત સભ્યો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
તાજેતરમાં આ હવેલીનું લાખો રૂપિયાના ખર્ચે કલર, પીઓપી, નવું ફ્લોરીગ, અદ્યતન ઝુમર વગેરે દ્વારા ભવ્ય રીનોવેશન કરવામાં આવ્યું છે તેમજ હવેલીના પટાંગણમાં રહેલા ખુલ્લા પ્લોટમાં 3800 સ્કેવર ફૂટના વિશાળ એસી સત્સંગ હોલનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાની તૈયારીમાં છે. આવતીકાલે પાટોત્સવ પ્રસંગે તમામ આમંત્રિતોને ઉપસ્થિત રહેવા હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ટ્રસ્ટીઓ ભરતભાઈ ધારૈયા, ભરતભાઇ જનાણી, હસુભાઈ ગાંધી, બટુકભાઈ તન્ના, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા અને કમલેશભાઈ ચોલેરા, મંત્રી ધર્મેશભાઈ કલ્યાણી, સહમંત્રીઓ નિલેશભાઈ રાઠોડ તથા સાગરભાઇ દોશી, ખજાનચી ચંદુભાઈ વડોદરીયા, આમંત્રિત ટ્રસ્ટી મંડળના સંજયભાઈ સખીયા, ચંદુભાઈ ગોટી, રમેશભાઈ ગોલ્ડન ચા, કિરીટભાઈ છાયાણી, અશોકભાઈ મહેતા, નરેશભાઈ દરેડ, વિજયભાઈ રાઠોડ, કિશોરભાઈ ગઢવી સહિતના લોકોએ અનુરોધ કર્યો છે.