રાજવી પરિવારની પરંપરા મુજબ માઁ આશાપુરાના આશિર્વાદ લઈ દરિદ્રનારાયણ અને સંતોને ભોજન કરાવ્યું
રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાનો ગુજરાતી તિથી મુજબ જન્મદિવસ જેઠ સુદ પાંચમના દિવસે પરંપરા મુજબ સાદાઈ અને સામાજિક અભિગમના સમન્વયથી ઉજવાયો હતો. સમગ્ર પરિવારે, વડીલોએ, રાજમાતાએ ઠાકોર સાહેબને આશીર્વાદ અને શુભેચ્છા પાઠવ્યાં હતાં. વહેલી સવારે જ કુળદેવી માતા આશાપુરાના મંદિરે જઈ એમની દેદિપ્યમાન પ્રતિમા સામે શીશ ઝૂકાવી, પૂજા વિધી કરીને પોતાના અને સમગ્ર પરિવાર પર માતાજીની કૃપા રહે એવાં આશીષ માંગ્યા હતા.
રાજવી પરિવારની એ પરંપરા રહી છે કે જન્મદિવસ કે એવો કોઈ પણ શુભપ્રસંગ હોય એટલે એમાં સંતોને તો સામેલ કરવામાં આવે જ. સંતોના આશીર્વાદ વગર રાજકોટ રાજવી પરિવાર ક્યારેય પોતાનું કોઈ શુભકામ ન કરે. આજે ઠાકોર સાહેબના જન્મ દિવસે પૂ. રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે સાધુ-સંતો અને દરિદ્રનારાયણને ભોજન કરાવવામાં આવ્યું હતું.
પૂ. રણછોડદાસજી બાપુનો રાજવી પરિવારની સાથે પર અનોખો સંબંધ વર્ષોથી રહ્યો છે. સ્વ. ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજાના સમયમાં તો પૂ. રણછોડદાસજી બાપએ રણજીત વિલાસ પેલલેસમાં પગલા પણ કર્યા હતા અને એમનું પુજન કર્યું હતુ આ સંબંધ આજે પણ ઠાકોર સાહેબ માંધાતાસિંહજીએ આ સંબંધ જાળવી રાખ્યો છે. આ ગુરૂપરંપરા આજે પણ યથાવત જળવાઈ છે.
આજે આ જન્મદિવસે ઠાકોર સાહેબ માંધાતાસિંહજીએ આખાં વર્ષ દરમિયાન 50 હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. તેઓ ગ્રીન એમ્બેસેડર પણ રહી ચૂક્યા છે. સામાજિક અને ધાર્મિક અભિગમ તેઓ પણ પોતાના પુર્વજોની જેમ સતત ધરાવે છે. પ્રસંગોપાત શૂરાપુરાદાદાના દર્શને જવું, સોળથંભીની પૂજા કરવાની અને એવી જે જે પરંપરા છે તે બધી નિભાવે છે. પૂ. શંકરાચાર્યજી, પૂ. દંડી સ્વામી, પૂ. મોરારીબાપુ, પૂ. રમેશભાઈ ઓઝા, ગુરુદેવ પૂ. રાજર્ષિ મુનિ, દાદાગુરુ પૂ. કૃપાલવાનંદજી,સહિતના સંતો-કથાકારો પણ પેલેસના પ્રાંગણને પાવન કરી ચૂક્યા છે. ક્યાંય પણ ભાગવત કે રામાયણ સપ્તાહ હોય તો પણ ઠાકોર સાહેબ એમાં ઉપસ્થિત રહે છે.
કેવડીયા કોલોની ખાતે નિર્માણાધિન દેશના રજવાડાઓના મ્યુઝિયમની સમિતિના તેઓ સભ્ય છે. એમને જ્યારે પૂછવામાં આવ્યું કે આપ આપના જન્મદિવસની ઉજવણી કેવી રીતે કરવાના છો? તો એમણે કહ્યું કે રેસકોર્સમાં ચાલી રહેલા બીએપીએસ સંસ્થાનના માનવ ઉત્કર્ષ મહોત્સવમાં પૂ. અપૂર્વમુનિ જીવનલક્ષી વક્તવ્યો આપે છે, દરરોજ અલગ અલગ વિષય પર, જે સંવાદ કરે છે- વિશાળ સત્સંગ ચાલે છે. ફકત રાજવી પરિવાર જ એમનો પરિવાર છે એવું નથી, સમગ્ર રાજકોટના નાગરિકો પણ પરિવાર છે. એમની સાથે બેસીને એ વક્તવ્ય સાંભળવાનું સદભાગ્ય મેળવીશ એવું તેમણે કહ્યું હતું.
ભારતીય જનતા પાર્ટીમાં તેઓ સક્રિય છે તો ગુજરાત ભરના રાજવી પરિવારો સાથે એમને જીવંત નાતો છે. શહેરની અનેક સામાજિક સંસ્થાઓને એમના તરફથી યોગ્ય સહયોગ સાંપડતો હોય છે. ગુજરાતમાં પુરાતન વિરાસતની જાળવણીમાં એમનું યોગદાન નોંધપાત્ર છે. આજે એમના ગુજરાતી તિથિ મુજબના જન્મદિવસે એમને સતત શુભેચ્છા મળી રહી છે.
સાધુ-સંતો અને દરિદ્રનારાયણ ભોજન કરાવતા ઠાકોર સાહેબ
રાજવી પરિવારની એ પરંપરા રહી છે કે જન્મદિવસ કે એવો કોઈ પણ શુભપ્રસંગ હોય એટલે એમાં સંતોને તો સામેલ કરવામાં આવે જ. સંતોના આશીર્વાદ વગર રાજકોટ રાજવી પરિવાર ક્યારેય પોતાનું કોઈ શુભકામ ન કરે. આજે ઠાકોર સાહેબના જન્મ દિવસે પૂ. રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે સાધુ-સંતો અને દરિદ્રનારાયણને ભોજન કરાવવામાં આવ્યું હતું.