રાજકોટ અને જુનાગઢમાં કાપડ માર્કેટ બંધ રહી: સાંજે બ્લેક આઉટ-સૂત્રોચ્ચાર પોકારાશે: વેપારીઓમાં ભારે વિરોધ વંટોળ
અબતક, રાજકોટ
કેન્દ્ર સરકાર દ્વારા આગામી 1લી જાન્યુઆરીએ કપડા અને કાપડ પર હાલ વસુલવામાં આવતો પ ટકા જી.એસ..ટી. વધારીને સીધો 1ર ટકા કરવામાં આવનાર છે. જેની સામે કાપડના વેપારીઓમાં ભારે વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે. આજે રાજકોટ અને જુનાગઢમાં વેપારીઓએ અડધો દિવસ બંધ પાળી પોતાનો રોષ વ્યકત કર્યો હતો. કલેકટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. દરમિયાન જુનાગઢમાં બ્લેક આઉટ અને સુત્રોચ્ચાર પોકારવામાં આવશે સુરત, વડોદરા અને અમદાવાદમાં પણ વેપારીઓ બંધ પાળી વિરોધ રજુ કરશે.કોરોના કાળમાં છેલ્લા બે વર્ષથી કાપડ ઉઘોગ મહામંદીનો સામનો કરી રહ્યા છે. હવે બજારમાં થોડી ઘણી ધરાકી દેખાય રહી છે ત્યારે કાપડ ઉઘોગનો જાણે કેન્દ્ર સરકાર મૃત્યુ ઘંટ વગાડવા માંગતુ હોય તે રીતે આગામી 1લી જાન્યુઆરીથી કાપડ અને કપડા પર વસુલવામાં આવતો પાંચ ટકા જીએસટીનો દર વધારી 1ર ટકા કરવામાં આવનાર છે. જેનાથી માંડ બેઠા થતા કાપડ ઉઘોગની મહાદશા બેસી જશે ભાવમાં તોતીંગ વધારો આવશે.
જીએસટીમાં વધારો મોકુફ રાખવાની માંગણી સાથે આજે રાજકોટ અને જુનાગઢમાં કાપડ માર્કેટ અડધો દિવસ બંધ રહી હતી. રાજકોટમાં પાંચ હજારથી વધુ વેપારીઓ જોડાયા હતા. દરમિયાન જુનાગઢમાં વેપારીઓ બ્લેક આઉટ કરી અને સૂત્રોચ્ચાર પોકારી વિરોધ નોંધાવશે. સુરત, વડોદરા, અને અમદાવાદમાં પણ કાપડ માર્કેટ બંધ પાળ્યો હતો.