રક્ષાબંધન પર્વ પર કરુણાંતિકા
પશુ ચરાવવા ગયેલા બંને ભાઈઓને કાળ ભેટ્યો: પરિવારમાં કલ્પાંત
લખતર તાલુકાના ઢાંકી ગામે મંગળવારે ઢોર ચરાવવા ગયેલા બે સગાભાઇ તલાવડીના પાણીમાં ગરકાવ થઇ જતા બંનેના મોત થયા છે. આ બનાવની જાણ થતા ગામના સરપંચ સહિત ગ્રામજનો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. બીજી તરફ નાના એવા ગામમાં રક્ષાબંધન પર્વ પર જ આશાસ્પદ બે ભાઇઓના મોત થવાથી 4 બહેનો સહિત પરિવારજનોમાં આક્રંદ છવાયો છે.
લખતર તાલુકાના ઢાંકી ગામે ભાઈ બહેનના રક્ષાબંધનના પર્વ પર કરુણ ઘટના સર્જાઈ છે. જેમાં પશુ ચરાવવા ગયેલા સિદ્ધરાજ કરણાભાઇ સભાડ (ઉ.વ.22) અને વિનેશ કરણાભાઇ સભાડ (ઉ.વ.16) બંને ભાઈઓ સીમ વિસ્તારમાં ઢોર ચરાવતા હતા. ત્યારે સાથે રહેલા માલધારીઓ પોતાના ઢોરને લઈને જતા હતા. તે સમયે અચાનક ધ્યાન જતા આ બે ભાઈઓ ન દેખાતા સાથે રહેલા માલધારીઓએ ફોન કર્યા હતા.
પરંતુ કોઈ પણ ભાઈએ ફોન ન ઉપાડતા ત્યાં જઈ જોતા બંને ભાઈઓ ડૂબ્યા હોવાનું જણાતા તેઓએ બંનેના પરિવારના સભ્યોને જાણ કરી હતી. આ અંગે ઘટનાની જાણ થતા બંને ભાઈઓના પરિવારજનો અને ગામના સરપંચ પ્રભુભાઈ મકવાણા સહિત ગ્રામજનો ત્યાં પહોંચ્યા હતા. બાદમાં બંને ભાઈઓની શોધખોળ હાથધરી હતી. પરંતુ આખરે બેન ભાઈઓના માત્ર મૃતદેહ જ હાથ લાગતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે.
બંને ભાઈઓના આકસ્મિક મોતથી સાત ભાઈ-બહેનોની જોડી તૂટતા પરિવાર પર આભ ફાટયું હતું. લખતરના ઢાંકી ગામમાં રહેતા કરણાભાઇ સભાડને સંતાનોમાં 3 પુત્ર અને 4 પુત્રીઓ હતી. ત્યારે મંગળવારે તેમના બે દીકરાના મોત થતા શોક ફેલાયો હતો. જ્યારે 4 બહેનોએ 3 માંથી 2 ભાઈઓને ગુમાવતા પરિવાર અને ગામમાં ગમગીની છવાઇ છે.