સાત વર્ષથી કાર્યરત લેબોરેટરીમાં અત્યાર સુધીમાં ૬ હજારથી વધુના રિપોર્ટ કરાયા
સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્વાઇનફલુના રોગચાળાએ કાળો કહેર મચાવ્યો છે ત્યારે સ્વાઇનફલુના દર્દીને સમયસર નિદાન થાય તે માટે રાજકોટ મેડિકલ કોલેજમાં છેલ્લા સાત વર્ષથી લેબોરેટરી કાર્યરત હોવાનું અને અત્યાર સુધીમાં છ હજારથી વધુ દર્દીના રિપોર્ટ કરાયા હોવાનું મેડિકલ કોલેજના ડીન યોગેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું.
સ્વાઇનફલુનો રિપોર્ટ વધુ ખર્ચાળ હોવાથી પુના અને દિલ્હી ખાતે જ રિપોર્ટ થતો હતો. છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્વાઇનફલુનો ચેપી રોગ વધુ પ્રમાણમાં જોવા મળતા ૨૦૧૦થી રાજકોટની મેડિકલ કોલેજમાં સ્વાઇનફલુનો રિપોર્ટ કરવામાં આવે છે. દર્દીના લોહીના નમુના દિલ્હી અને પુના ખાતે મોકલવામાં આવતા ત્યારે રિપોર્ટ આવતા ચાર દિવસ જેટલો સમય લાગતો હતો જ્યારે રાજકોટની મેડિકલ કોલેજમાં સ્વાઇનફલુનો રિપોર્ટ કરવાનું શ‚ કરવામાં આવતા માત્ર ચાર કલાકમાં જ રિપોર્ટ પોઝીટીવ છે કે નેગેટીવ તે જાણ શકાતું હોવાથી સ્વાઇનફલુના દર્દીનું નિદાન તાત્કાલિક થઇ શકે છે.
રાજકોટની મેડિકલ કોલેજમાં સ્વાઇનફલુ રિપોર્ટ કરવા માટે પુરતા પ્રમાણમાં સાધનો અને ટેકશિયન સ્ટાફ છે. રાજકોટ ઉપરાંત ભૂજ અને જામનગરની મેડિકલ કોલેજમાં પણ સ્વાઇનફલુનો રિપોર્ટ કરવામાં આવતો હોવાનું મેડિકલ કોલેજના ડીન યોગેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું.