કેકેવી ચોક, રૈયા ચોકડી, મવડી ચોકડી, આકાશવાણી ચોક અને લીમડા ચોક ખાતે નિ:શુલ્ક કોવિડ ટેસ્ટ બૂથ શરૂ કરવાની કોર્પોરેશનની જાહેરાત
અબતક, રાજકોટ
શહેરમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે મહાપાલિકા દ્વારા આગામી શુક્રવારથી અલગ-અલગ 5 સ્થળેઓ કોરોના ટેસ્ટીંગ બૂથ શરૂ કરવાનું જાહેરાત આજે મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા અને આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજશ્રીબેન ડોડીયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આગામી શુક્રવારથી શહેરમાં કેકેવી ચોક, રૈયા ચોકડી, મવડી ચોકડી, આકાશવાણી ચોક અને લીમડા ચોક સહિત 5 સ્થળોએ કોરોનાના ટેસ્ટીંગ બૂથ શરૂ કરવામાં આવશે.
જ્યાં શહેરીજનો વિનામૂલ્યે કોવિડ ટેસ્ટ કરાવી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રો પર કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે. જરૂર જણાય તો મહાપાલિકા દ્વારા આરટીપીસીઆર રિપોર્ટ પણ નિ:શુલ્ક કરી આપવામાં આવે છે. હવે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે તકેદારીના ભાગરૂપે ફરી ટેસ્ટીંગ બૂથ શરૂ કરવામાં આવશે. શુક્રવારે અલગ-અલગ 5 સ્થળોએ બૂથ શરૂ કરાયા બાદ જો જરૂર જણાશે તો શહેરમાં વધુ બૂથ પણ શરૂ કરવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે.
બીજી તરફ શહેરમાં 70 ધન્વતરી રથ શરૂ કરવા માટે રાજ્ય સરકાર પાસે મહાપાલિકા દ્વારા મંજૂરી માંગવામાં આવી છે. મંજૂરી મળ્યા બાદ ફરી શહેરમાં ધન્વતરી રથ પણ દોડતા થઇ જશે. કોરોનાની ત્રીજ લહેરનો જાણે આરંભ થઇ ગયો હોય તે રીતે શહેરમાં દિનપ્રતિદિન સતત ઉછાળો નોંધાઇ રહ્યો છે. તકેદારી ભાગરૂપે મહાપાલિકા દ્વારા ટેસ્ટીંગ બૂથ શરૂ કરવામાં આવશે.