રસગુલ્લા, બટર સ્કોચ બરફી, પનીર, ચમચમ બેઈઝ અને ગુલાબ જાંબુના નમુના લેવાયા
દિવાળીની આગલા દિવસે પણ કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે ફરસાણ અને મીઠાઈના વેપારીઓને ત્યાં ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી હતી. સરકાર દ્વારા ફાળવવામાં આવેલી મેજિક બોકસ ટેસ્ટીંગ કીટ કે જેમાં ૧૦૨ પ્રકારના અલગ અલગ ટેસ્ટ કરી શકાય છે. તેના દ્વારા આજે પ્રથમવાર આરોગ્ય શાખા દ્વારા ૧૦ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રસગુલ્લા, બટર સ્કોચ બરફી, પનીર, ચમચમ બેઈઝ અને ગુલાબ જાંબુના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.
આજે આરોગ્ય શાખા દ્વારા સાધુવાસવાણી રોડ પર એસ.પી.સ્વીટમાં લુઝ રસગુલ્લા, કોઠારીયા રોડ પર યોગેશ્ર્વર ડેરીમાંથી લુઝ બટર સ્કોચ બરફી, સાધુ વાસવાણી રોડ પર આસ્થા એન્ટરપ્રાઈઝમાંથી લુઝ પનીર, પ્રેમ મંદિર રોડ પર અક્ષર રાજ ડેરી પ્રોડકટમાંથી ચમચમ માટેનો બેઈઝ અને વાણીયાવાડીમાં શિવમ જાંબુવાલામાંથી ગુલાબ જાંબુના નમુના લઈ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.
સરકાર દ્વારા કોર્પોરેશનને મેજિક બોકસ ફૂડ ટેસ્ટીંગ કીટ ફાળવવામાં આવી છે જેના અંગે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અંગે કુલ ૧૦૨ પ્રકારના ટેસ્ટ થાય છે. આ મેજિક બોકસ કીટ દ્વારા આજે રામકૃષ્ણ રોડ પર શિવશક્તિ ડેરીમાં મીકસ મીલક, મંગળા રોડ પર વિશાલ ડેરીમાં મીકસ મીલક, લક્ષ્મીવાડી મેઈન રોડ પર ધર્મપ્રિય ડેરીમાં મીઠો માવો, વિકાસ ડેરી ફાર્મમાં મીઠો માવો, નવા થોરાળામાં માટેલ સ્વીટ માર્ટમાં મીઠો માવો, દૂધસાગર રોડ પર ગજાનંદ ડેરીમાં મીઠો માવો, કોઠારીયા રોડ પર સત્યમ ડેરી, દિલીપ ડેરી અને યોગેશ્ર્વર ડેરીમાંથી મીઠા માવાની ચકાસણી કરવામાં આવી હતી. આજે કુલ ૨૬ સ્થળે ચેકિંગ હાથ ધરાયું હતું અને ૨૨ સ્થળેથી નમૂના લેવામાં આવ્યા હતા.