ચાલુ વર્ષે માર્ચ મહિનામાં કોરોનાની બીજી ઘાતક લહેર ચાલુ હોવાથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા નિર્ણય કર્યો હતો. જેની સામે ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ઓફલાઇન લેવા નિર્ણય કર્યો છે. જેની શરૂઆત આગામી 15 જુલાઇથી થવાની છે. જેમાં રાજકોટ જિલ્લાના કુલ 24,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ તમામ વિદ્યાર્થી 114 કેન્દ્ર પર પરીક્ષા આપશે અને એક ક્લાસમાં 20 વિદ્યાર્થીને બેસાડવામાં આવશે.
હજાર રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
એક ક્લાસમાં 20 વિદ્યાર્થીઓને જ બેસાડવામાં આવશે
કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ પરીક્ષા લેવાશે
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે, આગામી 15 જુલાઇથી શરૂ થતી ધોરણ 10 તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઇ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લામાં કુલ 24,000 રિપીટર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પરીક્ષા લેતા સમયે કોવિડ ગાઇડલાઇનની જાળવણી કરી વિદ્યાર્થીઓ સંક્રમિત ન થાય તે રીતે પરીક્ષા માટે આયોજન કરવા રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર અને જિલ્લામાં કોવિડ-19ની ગાઈડલાઈનને અનુસરી આ પરીક્ષા લેવાશે. આ પરીક્ષામાં શહેર-જિલ્લાનાં 24 હજાર વિદ્યાર્થીઓ બેસનાર છે. જેમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનાં 1000, ધો.12 સામાન્ય પ્રવાહનાં 7000 અને ધો.10ના 16000 રિપીટર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ધો.12 સાયન્સની પરીક્ષા પાંચ સેન્ટરો પર સામાન્ય પ્રવાહની 29 સેન્ટરો પર અને ધો.10ની 80 સેન્ટરો પરથી પરીક્ષા લેવાશે. જેમાં ધો.12ની પરીક્ષા માત્ર જિલ્લા મથક પરથી જ લેવામાં આવશે. આ પરીક્ષામાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે બ્લોકદીઠ માત્ર 20 વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થાની ગોઠવણી કરવામાં આવી છે.