છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ધોરણ 10 અને 12ના વિધાર્થીઓની પરીક્ષાનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે પરીક્ષાઓ મોકૂફ રાખી છે. ત્યાર બાદ સરકારે ધોરણ 10 અને 12ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. આ માસ પ્રમોશ આપ્યા બાદ રીપીટરો વિધાર્થીઓ માટે પ્રશ્ન સર્જાયો હતો. જેનું નિવારણ કરતા ગુજરાત શિક્ષણ બોર્ડએ આજે મોટી જાહેરાત કરી છે.
રાજ્યના ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ 15 જુલાઈથી ધોરણ – 10, 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. શિક્ષણ બોર્ડ દ્વારા 15 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન પરીક્ષા યોજાશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડ દ્વારા જાહેર કરાયો છે. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www. GSEB.ORG પર વિદ્યાર્થીઓને ટાઈમ ટેબલ જોવા મળશે.
ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32 હજાર 400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થી પરીક્ષા આપશે. ધોરણ 10 અને 12ના નિયમિત, રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની બોર્ડની જાહેર પરીક્ષા પહેલી જુલાઈના રોજ લેવાનો નિર્ણય સરકારે કર્યો હતો. પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.