ભારતીય ટીમ ત્રણ સ્પીનરો સાથે મેદાનમાં ઉતરી
રાહુલ અને પૃથ્વી શોએ ભારતના દાવની શરૂઆત કરી
વિન્ડિઝ ટીમના કેપ્ટન જેસોન હોલ્ડર આખરી ઇલેવનમાં નહીં, ક્રેગ બ્રેથવેટને ટીમની આગેવાની
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે આજથી ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી પૈકીના પ્રથમ ટેસ્ટ મેચનો આરંભ થયો છે જેમાં ભારતીય સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતી બેટસમેનોને યારી આપવી ખંઢેરીની વિકેટ પર પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે ૧૮ વર્ષીય ટેલેન્ટેડ બેટસમેન પૃથ્વી શોને ટેસ્ટ કેપ આપી હતી. ભારતવતી લોકેશ રાહુલ અને પૃથ્વી શોએ ઈનીંગની શરૂઆત કરી હતી જોકે ભારતની શરૂઆત ખુબ જ નબળી રહેવા પામી હતી. ટીમનો સ્કોર માત્ર ૩ રન હતો ત્યારે ઓપનર લોકેશ રાહુલ ખાતુ ખોલાવ્યા વિના જ પેવેલીયન તરફ પરત ફર્યો હતો. આ લખાય રહ્યું છે ત્યારે ભારતે ૩ ઓવરમાં ૧ વિકેટના ભોગે ૧૨ રન બનાવી લીધા છે.
રાજકોટ ખાતે આજથી શરૂ થયેલા પ્રથમ ટેસ્ટ મેચમાં સુકાની વિરાટ કોહલી ટોસ જીતવામાં સફળ રહ્યો હતો. વિન્ડીઝ ટીમના નિયમિત ટેસ્ટ કેપ્ટન જેસોન હોલ્ડરને આજે આખરી ઈલેવનમાં સ્થાન આપવામાં ન આવતા ભારે આશ્ર્ચર્ય ફેલાઈ જવા પામ્યું હતું. વિન્ડીઝ ટીમની આગેવાની ક્રેગ બ્રેથવેટે લીધી હતી. ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતને અંડર-૧૯ વર્લ્ડકપ જીતાડનાર ટેલેન્ટેડ બેટસમેન પૃથ્વી શોને રાજકોટ ટેસ્ટમાં ટેસ્ટ કેપ આપવામાં આવી હતી જેને આજે ભારતીય ઈનીંગની શરૂઆત લોકેશ રાહુલ સાથે કરી હતી.
ટીમનો સ્કોર માત્ર ૩ રન પહોંચ્યો હતો ત્યારે લોકેશ રાહુલ ખાતુ ખોલાવ્યા વિના આઉટ થઈ પેવેલીયન તરફ પરત ફર્યો હતો. બેટસમેનોને યારી આપતી રાજકોટની વિકેટ પર વિરાટ કોહલી ૩ સ્પીનર આર.અશ્ર્વિન, રવિન્દ્ર જાડેજા અને કુલદિપ નાયર સાથે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયામાં સુકાની વિરાટ કોહલી, પૃથ્વી શો, કે.એલ.રાહુલ, ચેતેશ્ર્વર પુજારા, અજીંકય રહાણે, રીષભ પંત, મહંમદ સામી અને ઉમેશ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ટેસ્ટના આરંભ પૂર્વે બંને ટીમના ખેલાડીઓએ બંને દેશના રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. ટેસ્ટ મેચની લોકપ્રિયતા સતત વધી રહી હોવાનો બોલતો પુરાવો આજે રાજકોટ ટેસ્ટમાં જોવા મળ્યો હતો. સ્ટેડિયમ સાવ ખાલી હતું. શાળાના વિદ્યાર્થીઓને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવ્યો હતો.