દક્ષિણ કાશ્મીરના કુલગામમાં ભાજપ યુવા મોરચાના મહાસચિવ સહિત ૩ કાર્યકરોની ગોળી મારી હત્યા કરી દેવાઈ
જમ્મુ કાશ્મીરમાં હાલના સમયે વધુ પડતા ભાજપના નેતાઓ અને કાર્યકરોને આતંકીઓ ટાર્ગેટ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જૂન ૨૦૨૦થી ઓક્ટોબર માસના અંત સુધીમાં એટલે કે પાંચ મહિનામાં આતંકીઓએ આઠ ભાજપ કાર્યકરોની હત્યા નિપજાવી ’શહિદ’ કરી દીધા છે. ગુરુવારે સાંજે પણ કાશ્મીરમાં આ પ્રકારની જ ઘટના સામે આવી છે.
દક્ષિણ કાશ્મીરના કુલગામમાં ગુરૂવારે સાંજે ભાજપના નેતા ફિદા હુસૈન સહિત ૩ લોકોની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. ફિદા હુસૈન કુલગામ ભાજપ યુવા મોરચાના મહાસચિવ હતા. તેમની સાથે કાર્યકર્તા ઉમર રાશિદ બેગ અને ઉમર રમઝાન હાઝમની પણ હત્યા કરી દેવામાં આવી છે. એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બે લોકોના મોત હોસ્પિટલ લઈ જતા સમયે થયા હતા.
આતંકી હુમલાની જવાબદારી ધ રજિસ્ટેન્સ ફ્રંટ (ટીઆરએફ) નામના સંગઠને લીધી છે. આ સંગઠન લશ્કર-એ-તૌયબાનું સહયોગી સંગઠન છે. બાંદીપોરામાં ભાજપના નેતા વસીમ બારીની હત્યાની જવાબદારી પણ આ સંગઠને જ લીધી હતી.
ફિદા હુસૈન અને ઉમર હાઝમ કાઝીગુંડના રહેવાસી હતા. હુસૈન પર ત્યારે હુમલો કરાયો જ્યારે તેઓ કાર્યકર્તાની સાથે પોતાના ઘર તરફ જઈ રહ્યાં હતા. આતંકીઓ એક ગાડીમાં આવ્યા અને ફાયરિંગ કરી ફરાર થઈ ગયા. સુરક્ષા એજન્સીઓએ હુમલા પછી વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કરી દીધું છે.
ઉલ્લેખનીય બાબત છે કે, હુમલા ટીઆરએફએ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર હિન્દી અને ઈંગ્લીશમાં પોસ્ટ મૂકીને કહ્યું હતું કે, ’કબ્રસ્તાનોમાં અગાઉથી બુકિંગ શરૂ કરી દો’ જેનો સ્પષ્ટ સંકેત છે કે, આતંકી સંગઠન વધુ કોઈ હુમલાની ફિરાકમાં છે. ટૂંકા સમયગાળામાં આ સંગઠન લશ્કર – એ – તોયબાના સહયોગથી ખૂબ ઝડપે આતંક ફેલાવવાનું કારસ્તાન કરી રહી છે. સંગઠનના તમામ આતંકીઓને દબોચી લેવા સુરક્ષા એજન્સીઓએ સઘન ચેકીંગ શરૂ કરી દીધું છે.
અગાઉ પણ ભાજપના નેતાની કરાઈ હતી હત્યા
ચાર મહિના પહેલાં જ બાંદીપોરામાં ભાજપના નેતા વસીમ બારીની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં તેમના પિતા અને ભાઈના પણ મોત નિપજ્યા હતા. વસીમ બાંદીપોરા જિલ્લાના ભાજપના અધ્યક્ષ હતા. વસીમ બારી પર હુમલો તે સમયે થયો હતો, જ્યારે તેઓ પોતાની દુકાનમાં પિતા અને ભાઈની સાથે હતા. આ દરમિયાન આતંકીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું.