રહેણાંક મકાન, ગાડીઓના શો-રૂમ તેમજ બે રાહદારીઓને કેફી દ્રવ્યો પીવડાવી લાખોની લુંટ
જુનાગઢ પંથક તેમજ શહેરમાં તસ્કરો સક્રીય અને પોલીસ નિષ્કીય બની જતા ચોરી અને ધાડના બનાવો વધવા પામ્યા છે. શહેરી વિસ્તારના સ્વામીનારાયણ મંદીર પાસેના રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરોએ ૫૦ હજારની રકમની માલમતાની ચોરી કરી હતી જયારે દોલતપરા વિસ્તારમાં ગાડીના શો રુમમાં થી ઇલેકટ્રોનીક સાધનો અને પાના પકકડ જેવા હથીયારોની ચોરી કરી હતી તદઉપરાંત ચોરવાડ પોલીસ સ્ટેશનની હદ તેમજ માંગરોળ બંદર વિસ્તારમાંથી બે રાહદારીઓને કેફે પદાર્થ ખવરાવી અને પીવરાવી લાખોના મુદામાલની લુંટ ચલાવી હતી ઘટનાના પગલે જુનાગઢ શહેર સહીત આખાય પંથકમાં લુંટ, ધાડ જેવા બનાવોને લઇ ને ભયનો માહોલ જામવા પામ્યો છે.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર જુનાગઢ સ્વામીનારાયણ મંદીર પાસે શીવાજી શેરીમાં રહેતા હરસુખભાઇ મોહનભાઇ મારુ પરિવાર સાથે અમદાવાદ લગ્ન પ્રસંગમાં ગયેલ હોય પાછળ થી અજાણ્યા તસ્કરોએ સોનાના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂ ૫૦ હજાર નો મુદામાલ ચોરી થયાની ફરીયાદ પોલીસ સ્ટેશને નોંધાવી હતી. જયારે મજેવડી દરવાજા પાસે આઇ.જી. ઓટો લીન્ક પ્રા.લી. ના શોરુમમાંથી પાછળની દિવાલ કુદી એ.સી. એલઇડી ટીવી ૩ર ઇંચ, પાના પકકડના સેટ બોકસ નંગ-૩, લોખંડના ગડર, તેમજ ભંગાર મળી શો ‚મમાંતી ૭૮૨૦૦/- નો મુદામાલ ચોરાયાની પોલીસને ફરીયાદ આપી હતી.
આવી જ રીતે માળીયા હાટીનામાં રહેતા દિનેશભાઇ ભાયાભાઇ માંગરોળ બંદર વિસ્તારમાં કોઇ અજાણ્યા ઇસમે કુટીમાં નશાકારક પદાર્થ પીવરાવી રોકડ રૂ ૧૪ હજાર સહીત ૧.૯૪ લાખની મતાની ચોરી ગયાની ફરીયાદ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનને આપી હતી જયારે ચોરવાડ પોલીસ સ્ટેશનની હદમાં કેશોદના રહેવાસી કૃણાલ કાંતિભાઇ સીરે પોલીસને એવા મતલબની ફરીયાદ આપી હતી કે પોતાનાપિતા કાન્તીભાઇ ઘેલાભાઇ સીર (ઉ.વ.૬૫) વાળાને કેશોદ થી ટેકસી ભાડે કરી જઇ રહ્યા હતા. ત્યારે હોટેલમાં જમતી વખતે કોઇએ નશીલો પદાર્થ ખવરાવી દઇ રોકડ તેમજ સોનાના ચેઇન સહીત ૩૫ હજાર ના મુદામાલ ની ચોરી કરી હતી. જુનાગઢ શહેર તેમજ પંથકમાં ચોરી અને ધાડના બનાવોને પગલે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારની પ્રજામાં હાલ ભયનો માહોલ છવાઇ જવા પામ્યો છે. પોલીસ પેટ્રોલીંગ વધારી આવા તત્વોને તાત્કાલીક અસરથી પકડી પાડે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે.