અવંતિપોરાના ત્રાલમાં ગામમાં છુપાયેલા આતંકીઓને દબોચવા સેનાનું એન્કાઉન્ટર: એક હણાયો
જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ થાળે પાડવા માટે સરકારના આયોજનબદ્ધ પગલાઓથી દેશ વિરોધી તત્ત્વો હતાશ થઈ ગયા હોય તેમ રાજ્યમાં આતંકવાદી છમકલાનો દૌર ચાલુ રહેવા પામ્યો છે. બડગામના ચડોરા વિસ્તારમાં આતંકવાદીઓએ સીઆરપીએફ પર કરેલા હુમલામાં એક જવાન શહિદ થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સંવેદનશીલ ગણાતા બડગામમાં સીઆરપીએફ જવાનો પર એકાએક થયેલા હુમલામાં એક જવાને સામી છાતીએ આતંકીઓનો સામનો કરી સહાદત વ્હોરી હતી. શહિદ થયેલા જવાનની રાયફલ લઈને નાસી ગયા હતા. સેના દ્વારા તાત્કાલીક ધોરણે આ નાપાક તત્ત્વોને શોધી કાઢવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
બીજી એક ઘટનામાં અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં આતંકી છુપાયા હોવાના અહેવાલના પગલે હરકતમાં આવેલી સેનાએ આતંકીઓની હાજરીવાળા વિસ્તારને ઘેરાબંધી કરીને શરૂ કરેલી કાર્યવાહી વચ્ચે આતંકીઓએ શરૂ કરેલા ફાયરીંગથી સેના સાથે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું.
પ્રાથમિક અહેવાલોમાં અવંતીપોરાના ત્રાલમાં થઈ રહેલી અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો હોવાનું જાણવા મળ્યું છે. હજુ આ ઓપરેશન ચાલુ હોવાનું સુરક્ષા દળોએ જણાવ્યું છે.