એલઓસી નજીક ૪૭૫ આતંકીઓ ભારતમાં ઘુસવાની ફિરાકમાં આતંકની આર્થિક કમર તોડવા એનઆઈએના ઠેર-ઠેર દરોડા
પીઓકેના એલઓસી નજીક આતંકી કેમ્પોની સંખ્યા રોજબરોજ વધતી જાય છે. એલઓસીમાંથી ભારતમાં ઘુસવા ૪૭૫થી વધુ આતંકવાદીઓ ટાપીને બેઠા છે તેવું આર્મી કમાન્ડર લેફટનન જનરલ દેવરાજ આંબુનું કહેવું છે.
એક તરફ પીઓકે સરહદે આતંકીઓનો અડ્ડો છે તો બીજી તરફ પાક અવાર-નવાર સીઝ ફાયરનો ભંગ કરી રહ્યું છે. પુંછમાં પાકિસ્તાને કરેલા બેફામ ગોળીબારથી ભારતીય સેનાના બે કર્મચારીઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનની નાપાક હરકતનો ભારતીય સૈન્ય દ્વારા જડબાતોડ જવાબ દેવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો ઓછાયો દૂર કરવા એનઆઈએ દ્વારા છેલ્લા એક મહિનાથી દરોડા પાડવામાં આવે છે. આ દરોડા આતંકવાદને આર્થિક સહાય અને મોરલ ટેકો આપનારની કમર તોડવા પાડવામાં આવતા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ શ્રીનગરમાં ગઈકાલે થયેલા આતંકી ગ્રેનેડ હુમલામાં એક નાગરિકનું મોત થયું છે. આ હુમલાથી ૧૪ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ગઈકાલે એલઓસી નજીક આતંકીઓના કેમ્પની વધતી સંખ્યા અંગે લેફટનન જનરલ દેવરાજે કહ્યું હતું કે, આપણે આતંકીઓની કુલ સંખ્યા ગણી ન શકીએ પરંતુ ભારતની સરહદમાં ઘુસવા ૪૭૫થી વધુ આતંકીઓ રાહ જોઈ રહ્યાં હોવાના રિપોર્ટ મળ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષે એલઓસી નજીક આતંકી અડ્ડાઓની સંખ્યા વધુ છે. અલબત ચાલુ વર્ષે ઘુસણખોરીના પ્રયાસો અનેક વખત સૈન્ય દ્વારા નાબૂદ કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારતીય સૈન્યએ છેલ્લા ચાર મહિનાના સમયગાળામાં ૧૦૦ આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે. એકલા કાશ્મીરમાં જ એક વર્ષમાં ૧૪૪ આતંકીઓને ભારતીય સૈન્યએ ઠાર કર્યા છે. છેલ્લા બે વર્ષમાં સુરક્ષા દળો આતંકવાદીઓ સામે કડક હાથે કામગીરી કરે છે. છેલ્લા બે મહિનામાં સ્થાનિક યુવાનોનું આતંકી ગતિવિધિઓમાં જોડાવાનું પ્રમાણ પણ ઘટી ગયું છે. જમ્મુમાં તો આતંકીઓના પગપેશારાને નેસ્તનાબૂદ કરી દેવાયો છે.