હુમલા સમયે જવાનોની પાસે હથિયારો પણ નહોતા: ત્રણ તરફથી આતંકીઓએ હુમલો કર્યો
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ સુરક્ષા જવાનોને લઇને જતી એક બસને ટાર્ગેટ કરી હતી અને હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ જવાન શહિદ થયા જ્યારે 11 જેટલા જવાનો ઘવાયા હતા. આતંકીઓએ શ્રીનગરના પંથાચોક પાસે આ બસને ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બસમાં જમ્મુ કાશ્મીર આર્મ્ડ પોલીસની નવમી બટેલિયન સવાર હતી. હુમલામાં ઘવાયેલા જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આતંકીઓએ સોમવારે સાંજે શ્રીનગરના પંથાચોક પાસે હુમલો કરી દીધો હતો. હુમલા બાદ આતંકીઓ નાસી છુટયા છે. જોકે હુમલા પાછળ ક્યા આતંકી સંગઠનના આતંકીઓનો હાથ છે તેની તપાસ ચાલી રહી છે. જવાનો સિૃથતિને કાબુમાં લે તે પહેલા જ આતંકીઓએ ગોળીબાર કરી દીધો હતો અને નાસી છુટયા હતા. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોર આતંકીઓની શોધખોળ માટે તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ઘટના સૃથળની આસપાસના સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. હુમલાખોર આતંકીઓને પહેલાથી જ આ વિસ્તારમાંથી બસ પસાર થવાની હોવાની જાણકારી મળી ગઇ હોય તેમ કાવતરાના ભાગરૂપે આ હુમલો કરવામાં આવ્યો હતો. જે જવાનો ઘવાયા છે તેની સંખ્યા 14 જેટલી છે અને તેમાં કેટલાકની સિૃથતિ ગંભીર છે. જ્યારે ત્રણ જવાનો આ હુમલામા શહીદ થઇ ગયા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જવાનોની બસ બૂલેટપ્રૂફ નહોતી, એટલુ જ નહીં જ્યારે હુમલો થયો ત્યારે જવાનોની પાસે હિથયારો પણ નહોતા.
આતંકીઓ બાઇક પર સવાર થઇને આવ્યા હતા અને ત્રણ દિશામાંથી આ હુમલો કરવામાં આવ્યો હતો.બીજી તરફ કાશ્મીરના કુપવાડામાં ભાજપના નેતા રાશિદ જરગરની સુરક્ષા માટે તૈનાત એક પીએસઓ હિથયારો સાથે ગુમ થઇ ગયો છે. વ્યક્તિગત સુરક્ષા અધિકારી એટલે કે પીએસઓની શોધખોળ માટે પોલીસ લાગી ગઇ છે અને સમગ્ર વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એવી પણ શક્યતાઓ છે કે આતંકીઓએ આ સુરક્ષા ગાર્ડનું અપહરણ પણ કર્યું હોઇ શકે છે.