હુમલામાં પાંચ જવાન શહીદ જયારે એક આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી આતંકવાદી ગતિવિધિઓનાં ખાત્મા માટે સરકાર મકમતાથી આગળ વધી રહી છે. દરમિયાન બુધવારે અનંતનાગનાં ધમધમતા રોડ ઉપર જૈસ એ મોહમ્મદનાં હોય તેવા બે આતંકીઓએ કરેલા આત્મઘાતી હુમલામાં સીઆરપીએફનાં પાંચ જવાનો શહિદ થયા હતા. ત્રણને ગંભીર ઈજા થઈ હતી અને આ અથડામણમાં એક નાપાક આતંકી ઠાર મરાયો હતો. આ ઘટના અંગે મળેલી વિગતો મુજબ બપોરે એપી રોડ ખાનબાલ પહેલગામ ખાતે બે મોટર સાયકલ સવાર આતંકીએ સીઆરપીએફ પેટ્રોલિંગ પાર્ટી પર આતંકીઓએ અંધાધુંધ ગોળીઓ વરસાવી હતી અને પાંચ જવાનો શહિદ થયા હતા. આ અથડામણમાં એક આતંકી ઘટનાસ્થળે જ ઠાર મરાયો હતો. સીઆરપીએફની 116મી બટાલીયન અને સ્થાનિક પોલીસ આ વિસ્તારમાં તૈનાત હતી. સેનાની પેટ્રોલીંગ ટુકડી આતંકીઓ સાથે ટકરાઈ ગઈ હતી અને પાંચ જવાનોએ બલિદાન આપ્યું હતું અને કેટલાકને ઈજાઓ થઈ હતી. તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અનંતનાગનાં સદર પોલીસ મથકની હદમાં બનેલી આ ઘટનાનાં પગલે તાત્કાલિક વધારાની હુમહો લઈને પોલીસ અધિકારી અર્ષદ અહેમદ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે આતંકીઓ ગોળીબાર અને સુરક્ષા જવાનો સામે ગ્રેનેડ હુમલાઓ કરતા હતા. આ હુમલામાં એક આતંકી ઠાર મરાયો હતો અને બીજો ફરાર થઈ ગયો હોવાનું માનવામાં આવે છે. આ અથડામણમાં પોલીસ કર્મચારી અહેમદને ઈજાગ્રસ્ત હાલતમાં શ્રીનગરમાં ખસેડવામાં આવ્યો હતો. અમરનાથ યાત્રા પૂર્વે ત્રણ અઠવાડિયા પહેલા જ થયેલા આ હુમલાનાં પગલે દક્ષિણ કાશ્મીર હિમાલય વિસ્તારમાં યોજાનારી અમરનાથ યાત્રાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીર પોલીસને અગાઉ ગુપ્તચર વિભાગનાં માધ્યમથી સુરક્ષા જવાનો પર બસ સ્ટેન્ડ અને કેપી રોડ ઉપર હુમલો થવાની બાતમી મળી હતી. આ હુમલાની જવાબદારી અલ ઉમર મુઝાહુદીન નામનાં આતંકી જુથે સ્વિકારી છે. જોકે આ જુથ જૈસ એ મોહમ્મદનાં હાથ હેઠળ જ કામ કરતું હોવાનું માનવામાં આવ્યું છે. 1 જુલાઈથી 15મી ઓગસ્ટ સુધી ચાલનારી અમરનાથ યાત્રાને લઈને તંત્ર વધુ સતર્ક બન્યું છે. બુધવારે જયાં હુમલો થયો તે રોડ પરથી અમરનાથ યાત્રાનો શ્રદ્ધાળુઓ પસાર થાય છે. આ અગાઉ જુલાઈ-2017માં અમરનાથ યાત્રાળુઓ પર હુમલો થયો હતો અને લશ્કરે તોયબાના આતંકીઓએ ખાનબાલમાં બસ ઉપર હુમલો કરી આઠનાં જીવ લીધા હતા. બુધવારે થયેલા હુમલાનાં પગલે સેનાએ આતંકીઓ સામે તેજ લશ્કરી કાર્યવાહી શરૂ કરી દીધી છે.