- સ્વતંત્રતા પર્વ પૂર્વે મોટી દુર્ઘટના ટળી
- હુમલાની જાણ થતાં એડિશનલ પો.કમિશનર મહેન્દ્ર બગરીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, સીઆઈએસએફના કમાન્ડંટ સહિતના અધિકારીઓ દોડી ગયા
- એરપોર્ટના ગેટ પર બેરીકેટ તોડી આતંકીઓ અંદર ઘુસી ગયા
- મોટા પ્રમાણમાં મળી આવેલ વિસ્ફોટકોને ડિફ્યુઝ કરી દેવાયા : અંતે મોકડ્રિલ જાહેર કરાતા હાશકારો
રાજકોટની ભાગોળે આવેલા હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આતંકવાદી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ થયું છે. સ્વતંત્રતા પર્વ પૂર્વે મોટી ઘટના બનતા સહેજમાં અટકી ગઈ છે. ચાર જેટલા આતંકવાદીઓ એરપોર્ટનું બેરીકેડ તોડી અંદર પ્રવેશ્યાનો કોલ મળતાની સાથે જ એસઓજી, ક્યુઆરટી સહિતની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસને જોઈ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યારે પરિસ્થિતિ અત્યંત નાજુક બની હતી પરંતુ પોલીસે બહાદુરીપૂર્વક આતંકીઓનો સામનો કરી ત્રણ ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા, જ્યારે એકને જીવતો પકડી લેવામાં આવ્યો છે. ઉપરાંત આતંકીઓ પાસેથી મળી આવેલા વિસ્ફોટકોને ડીફ્યુઝ પણ કરી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ મના સીઆઈએસએફના સ્ટાફ દ્વારા એક શંકાસ્પદ ગાડીમાં અમુક શખ્સો એરપોર્ટની બહારથી અંદર પ્રવેશ કરવા માટે બેરીકેટ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. આ શખ્સો પાસે હથિયાર હતા અને તમામના મોઢે રૂમાલ બાંધેલ હતા. બેરીકેટ તોડી અંદર પ્રવેશ કરવા જતા એરપોર્ટના ગાર્ડ્સ દ્વારા તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગાર્ડએ અટકાવવા જતાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
ફાયરિંગ શરૂ થયાં બાદ પણ સીઆઈએસએફના જવાનોએ આતંકીઓને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. ઉપરાંત બનાવ સંદર્ભે રાજકોટ શહેર એસઓજી પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ એસઓજી શાખા, બીડીડીએસ, ડોગ સ્કવોડ અને ક્યુઆરટીની ટીમો તાતકાલિક એરપોર્ટ ખાતે દોડી ગઈ હતી.
એરપોર્ટ ખાતે પોલીસે સીઆઈએસએફ સાથે સંકલનમાં રહી આતંકવાદીઓને આંતરી લીધા હતા. જેથી બે આતંકવાદીઓ પાર્કિંગના ભાગે તેમજ બે પાર્કિંગના શૌચાલયમાં ઘુસી ગયા હતા. સામ સામે ફાયરીંગ શરૂ થતાં શૌચાલયમાં ઘૂસેલ બે આતંકીઓ પૈકી એકને એસઓજી અને ક્યુઆરટીની ટીમે ઠાર માર્યો હતો. જયારે એક આતંકીને જીવતો પકડી લેવાયો હતો.
ઉપરાંત પાર્કિંગમાં છુપાયેલા બંને આંતકીઓને સીઆઈએસએફની ટીમે ઠાર માર્યો હતો. તેમજ આતંકીઓની ગાડીમાં રહેલ વિસ્ફોટકોને બીડીડીએસની ટીમે ડિફ્યુઝ કરી નાખ્યો હતો. અંતે આ સમગ્ર ઘટનાને મોકડ્રિલ જાહેર કરાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
એસ.ઓ.જી., ક્વિક રિસ્પોન્સ ટીમ, બીડીડીએસ, ડોગ સ્કવોડની ટીમો એરપોર્ટ દોડી ગઈ
એરપોર્ટ પર આતંકી હુમલાની જાણ થતાં શહેર પોલીસની એસઓજી શાખા, ક્વિક રિસ્પોન્સ ટીમ, બીડીડીએસ અને ડોગ સ્કવોડની ટીમ દોડી ગઈ હતી. આતંકીઓ સાથે ફાયરિંગની વારદાત બાદ અંતે ત્રણ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા જયારે એકને જીવતો પકડી લેવાયો હતો.