બેફિકરાઈથી રિક્ષા ચલાવી મુસાફરો સાથે બીજા વાહન ચાલકોનો પણ જીવ જોખમમાં મુકાય છે
રાજકોટ શહેરની ગણના ભારતના વિકસતા શહેરોમાં થઈ રહી છે, શહેરનો વિકાસ ચારે તરફથી થઈ રહ્યો છે, નવા-નવા ઔદ્યોગીક એકમો સ્થપાઈ રહ્યાં છે અને બહારના રાજયોમાંથી પણ લોકો અહીં રોજગારી મેળવવા માટે આવતા વસ્તીની દ્રષ્ટીએ પણ રાજકોટ શહેર ઝડપથી વિકસી રહ્યું છે. રાજકોટ શહેરની આજુબાજુમાં સૌથી વધુ ઔદ્યોગીક એકમો રાજકોટના શાપર-વેરાવળ અને મેટોડા જીઆઈડીસીમાં સ્થપાયેલા છે, જયાં રોજના હજારો કામદારો રોજ સવારે કામ અર્થે જવા નિકળે છે. ત્યારે કામ અર્થે જતાં લોકોને સૌથી મોટી સમસ્યા નડી રહી હોય તો ટ્રાન્સપોર્ટેશન લોકોને પોતાના નિયત કામના સ્થળ સુધી પહોંચવામાં લોકલ ટ્રાન્સપોર્ટેશનનો સહારો લેવો પડે છે જે કેવો જોખમી બની શકે છે ? તે જાણવા છતાં લોકો આ જોખમી મુસાફરી કરવા મજબુર બન્યા છે.રાજકોટ શહેરમાં સિટી બસના આયોજનના અભાવે અને જલ્દીથી પોતાના કામે પહોંચવાની લ્હાઈમાં લોકો પોતાનો જીવ જોખમમાં મુકી રિક્ષા ચાલકોનો સહારો લે છે. અમુક રિક્ષા ચાલકો પણ જલ્દીથી ફેરો પુરો કરી નવો ફેરો કરી લેવાની લાલચમાં નિયમો નેવે મુકી જગ્યા કરતાં વધુ મુસાફરો ઠાંસી ઠાંસીને ભરે છે અને બેફીકરાઈથી રિક્ષા ચલાવી નિયત સ્થળ સુધી પહોંચવા માટે અને ત્યાંથી બીજા ફેરા માટે મુસાફરો જલદીથી મળી જાય તે માટે બીજા રિક્ષા ચાલકો સાથે જાણે હરિફાઈમાં ઉતર્યા હોય તેમ રિક્ષા ચલાવે છે. શહેરના કોઈપણ ચાર રસ્તા વચ્ચે તો કોઈ વાહન નિકળવાનું જ ન હોય તેમ વધુ ઝડપે રિક્ષા ચલાવીને નિકળી જાય છે. એક તો રિક્ષા ચાલકની બન્ને બાજુ એક-એક મુસાફર બેસાડયા હોવાથી રસ્તાની બન્ને સાઈડ તરફ જવોનું તો ઠીક નજર સુધ્ધા પણ પડતી નથી. ત્યારે ચાર રસ્તાની બીજી તરફથી આવતા વાહન ચાલકે જ પોતાની સલામતી માટે ચારેતરફ ધ્યાન રાખવું પડે છે. આ હાલત અત્યારે રાજકોટના તમામ મુખ્ય ચાર રસ્તાની છે.શહેરના તમામ મુખ્ય ચાર રસ્તાઓ પર આવે બેફીકરાઈથી ચલાવતા રિક્ષા ચાલકોનો ત્રાસ તો છે જ પરંતુ શહેરની મધ્યમાં આવેલ કે જયાં શહેરનું મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ છે. તેવા ઢેબર રોડ તથા ભુતખાના ચોક આવેલ છે ત્યાંના રિક્ષા ચાલકો તો ફાટીને ધૂમાડે ગયા છે. જાણે કે આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેમ આ રિક્ષા ચાલકો ગમે ત્યાં રિક્ષા પાર્ક કરી મુસાફરોને બેસાડતાં હોય છે. જગ્યા ન હોય કોઈ મુસાફર બેસવામાં આનાકાની કરે તો દાદાગીરી કરતા પણ આ રિક્ષા ચાલકો અટકાતા નથી જેમાં સૌથી વધુ કફોડી હાલત પરપ્રાંતિય લોકોની થાય છે કે જેઓ સામે આ રિક્ષા ચાલકો અસામાજીક તત્ત્વો જેવું વર્તન કરી પરાણે જોખમી રીતે બેસાડે છે, કયારેક તો આવા જ ગુંડા તત્ત્વો જેવા રિક્ષા ચાલકો દ્વારા એકલ-દોકલ મુસાફરોને લૂંટવાની ઘટનાઓ પણ બની છે તો પણ શહેર પોલીસને આવા ટ્રાફીકને અડચણ‚પ બનતાં અને અવારનવાર એસટીની બસોને પણ જવા-આવવામાં નડતર‚પ બનતાં આ રિક્ષા ચાલકો દેખાતાં નથી તેનું શહેરીજનોને આશ્ર્ચર્ય થાય છે.
એસ.ટી.ની બસોને આવક-જાવકમાં મુશ્કેલીરૂપ
એસ.ટી.બસ સ્ટેન્ડ રાજકોટ શહેરની મધ્યમાં આવેલ હોય આ રિક્ષા ચાલકો પોતાની રિક્ષા રસ્તા વચ્ચે ઉભી રાખી મુસાફરો શોધવા માટે ચાલ્યા જતાં હોય બસોને બસ સ્ટેશન પર આવવા-જવામાં ખુબજ મુશ્કેલી પડે છે. જેનાથી ટ્રાફિક જામ થવાની સમસ્યા આ વિસ્તારમાં રોજીંદી બની ગઈ છે.
ટ્રાફિક પોલીસ દંડ ઉઘરાવવામાં વ્યસ્ત
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બસ સ્ટેન્ડ તથા ભુતખાના ચોક પાસે પુરતો સ્ટાફ ફાળવવામાં આવે પરંતુ આ સ્ટાફ રસ્તો વન-વે હોવાથી ફોર વ્હીલર ગાડીઓ ઉભી રખાવી દંડ વસુલવામાં જ વ્યસ્ત હોય છે.
સવાર અને સાંજના સમયે તો રિક્ષા ચાલકોનો અસહ્ય ત્રાસ
સવારના આઠ વાગ્યાથી પોતાના કામે જવા નિકળેલા નોકરિયાત લોકોની ઘરાકી મેળવવા માટે આ રિક્ષા ચાલકો તો જાણે બીજા કોઈના જીવની પડી જ ન હોય તેમ પોતાની રિક્ષા ચલાવીને નિકળે છે. આ બાબતે જો ટ્રાફિક પોલીસ યોગ્ય પગલાં લઈ આ જીવતા યમરાજ જેવા રિક્ષા ચાલકોને કાબુમાં લે તેવી લોકમાંગ ઉઠી છે.