રાજકોટના કેવડાવાડી મેઇન રોડ પર મધરાત્રે ઘર પાસે ગાળો બોલતા લુખ્ખાતત્વોને વકીલે ગાળો બોલાવાની ના પાડતા ઉશ્કેરાયેલ લુખ્ખા તત્વોની ટોળકીએ મોડીરાત્રે વકીલ પરિવાર પર ધોકા, પાઇપ, ધારીયા જેવા ઘાતક હથિયાર વડે હુમલો કરી એક જ પરિવારના વૃઘ્ધા સહીત સાત વ્યકિતઓને માર મારતા ઇજાગ્રસ્ત હાલતમાં સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટના કેવડાવાડી શેરી નં. 6/21 ના ખુણે રહેતા એડવોકેટ કલ્પેશ બટુકભાઇ મૈયડ (ઉ.વ.40) એ ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કેવડાવાડી વિસ્તારમાં જ રહેતા નીતીન મેવાડા, રાહુલ મેવાડા, મુન્નો મેવાડા, ચીકુડો મેવાડા, દીપો મેવાડા, બંટી લોહાણા, લાલો અને નીતીનના બે ભાઇઓ સહીત નવ શખ્સોના નામ આપ્યા હતા.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે રાત્રીના લુખ્ખા તત્વો બંટી લોહાણા અને લાલો ફરીયાદીના ઘર પાસે ગાળો બોલતા હોય અને બુમબરાડા પાડતા હોય એડવોકેટ કલ્પેશ મૈયડે આરોપીઓને ઘર પાસે ગાળો બોલવાની ના પાડી જતા રહેવાનું કહ્યું હતું.
બંટી લોહાણા અને લાલાનું રાત્રે વકીલે અપમાન કરતા તેઓ ત્યાંથી જતા રહ્યા બાદ અપમાનનો બદલો લેવા પોતાના સાથીદારો નીતીન મેવાડા સહીતનાને જાણ કરતા રાત્રીના 12.30 વાગ્યાના સુમારે તમામ હુમલાખોરો ઘાતક હથીયારો સાથે અલગ અલગ વાહનમાં આવી વકીલના ઘર પર હુમલો કર્યો હતો.
વકીલ કલ્પેશ પર હુમલો થતા તેને બચાવવા આવેલા પિતરાઇ ભાઇઓ અને પરિવારની પર પણ હુમલાખોરોએ ધોકા પાઇપ અને ધારીયા વડે હુમલો કર્યો હતો. જેમાં કલ્પેશ મૈથડ ઉપરાંત દિનેશ વલ્લભ મૈયડ (ઉ.વ.54), મોહીત દિનેશ મૈયડ (ઉ.વ.26), મનોજ બટુક મૈયડ (ઉ.વ.50), જયદીપ દિનેશ મૈયડ (ઉ.વ.30) જીવુબેન બટુક મૈયડ (ઉ.વ.64) અને આશીષ દિનેશ મૈયડ (ઉ.વ.33) ને લોહીયાળ હાલતમાં સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં દિનેશ મૈયડને માથામાં, મોહીતને હાથમાં ફેકચર અને જીવુબેનને ફેકચર જેવી ઇજા પહોંચી હતી.આ બનાવ અંગે ભકિતનગર પોલીસે ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરવા અંગેનો ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી લેવા પી.આઇ. જે.ડી. ઝાલા, પી.એસ.આઇ. આર.એલ. હાથલીયા સહીતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.