કાશ્મીરમાં ભયનો માહોલ ઉભો કરવા આતંકીઓ સામાન્ય નાગરિકોને બનાવી રહ્યા છે નિશાન
શ્રીનગરમાં આતંકવાદીઓએ મંગળવારે ફરી એકવાર નાગરિકોની હત્યાઓ કરવાનું શરુ કરી દીધું છે. આતંકીઓએ બે કલાકની અંદર ત્રણ લોકોને ખુલેઆમ મોતને ઘાટ ઉતારી દીધા છે. જેમાં અહીંના એક જાણીતાં દવાના વેપારી પણ સામેલ છે. આ સિવાય બિહારના એક નાગરિકની, જે અહીં પાણીપુરીની લારી ચલાવતો હતો એની પણ ગોળી મારી હત્યા કરી નાંખી છે. આતંકીઓએ અહીંના એક સ્થાનિક નાગરિકને પણ મોતને ઘાટ ઉતાર્યો છે. એક સાથે ત્રણ હત્યાઓ થયા બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન શરુ કર્યું છે. જોકે હત્યાઓ કરી આતંકીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા.
માહિતી મુજબ આતંકીઓએ મંગળવારે સાંજે શ્રીનગરના જાણીતા બિંદ્રુ મેડિકલના માલિક પર ફાયરિંગ કર્યું હતું, જેમાં વેપારી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. મૃતક અહીંનો જાણીતો દવાનો વેપારી હોવાની સાથે કાશ્મીરી પંડિત હતો. જે વર્ષોીથી અહીં દવાની દુકાન ચલાવતો હતો.
આ હત્યા કર્યા પછી આતંકીઓએ અન્ય બ હત્યાઓને અંજામ આપ્યો હતો. જેમાં શ્રીનગરના લાલ બજારમાં પાણીપુરીની લારી ચલાવતા બિહારના નાગરિકને નિશાનો બનાવવામાં આવ્યો હતો. બિહારનો રહેવાસી લાંબા સમયથી શ્રીનગરમાં રહેતો હતો અને પાણીપુરીની લારીથી ગુજરાન ચલાવતો હતો.
આ સિવાય આતંકીઓએ બાંડીપોરના શાહગુંડ વિસ્તારમાં એક સ્થાનિક નાગરિકની ગોળી મારીને હત્યા કરી હતી. માહિતી મુજબ સ્થાનિક નાગરિક ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી.
આતંકીઓ દ્વારા કરવામાં આવેલી ત્રણ હત્યાઓને લીધે સમગ્ર વિસ્તારમાં અંજપો પ્રસરી ગયો હતો. માત્ર બે જ કલાકમાં ત્રણ હત્યાઓ થતાં સુરક્ષા એજન્સીઓ પ્રત્યે સ્થાનિકોમાં રોષ જાગ્યો છે.
જોકે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોના વધતાં જતાં દબાવ હેઠળ આતંકીઓ એ હવે નીતિ બદલી છે. તેઓ સામાન્ય નાગરિકોને નિશાનો બનાવવા લાગ્યા છે. ભીડવાળા વિસ્તારોમાં સામાન્ય નાગરિકોની હત્યા કરીને તેઓ ફરાર થવામાં પણ સફળ રહે છે. આ પહેલા બે દિવસ પહેલા કરણ બાગમાં બોડી બિલ્ડર અને બટમાલૂમાં એક વ્યક્તિની હત્યા કરી નાંખી હતી.