કુલ ૧૬ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
ટેરર ફંડિંગ કેસમાં એન.આઈ.એ. એટલે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (રાષ્ટ્રીય તપાસનીશ સંસ્થા)એ કાશ્મીર અને દિલ્હી ખાતે આશરે ૧૬ સ્થળોએ દરોડા પાડયા હતા. અધિકારીઓએ જુદા જુદા ૧૬ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરીને આર્થિક વ્યવહારો તપાસ્યા હતા. કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા માટે હવાલાથી નાણાની હેરફેર થઈ છે. શ્રીનગર અને ઉતર કાશ્મીરમાં આતંકવાદને પનાહ આપવા આર્થિક મદદ પહોંચાડવામાં આવી હતી. તેથી એન.આઈ.એ.ની તપાસ સમિતિને ભાળ મળી છે. જેના પગલે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.હવાલા ચેનલને બ્રેક કરવા માટે એન.આઈ.એ.ના અધિકારીઓએ રાજધાની દિલ્હી અને દેશના જન્નત કહેવાતા કાશ્મીરમાં ઠેર-ઠેર દરોડા પાડયા હતા. આ રેડ પાડીને એ તાળો મેળવવા મથામણ થઈ રહી છે કે કોણ આમાં સામેલ છે ? કાશ્મીરમાં આતંકવાદ, અશાંતિ ફેલાવી જવાનો અને પોલીસ કર્મીઓ સહિતના સુરક્ષા દળો પર પથ્થરમારો કરવામાં આવે છે. મોટાભાગના વિરોધીઓ પૈસાથી ખરીદાયેલા છે. તેમને પથ્થરબાજી કરવાના સામે અમુક ચોકકસ રકમ ચુકવવામાં આવે છે. આ સિવાય આતંકવાદીઓને છુપાવા માટે જગ્યા આપવામાં પણ લોકોને પૈસા આપીને કામ કરાવવામાં આવે છે. એન.આઈ.એ.ની ટીમ તપાસ કરી રહી છે કે પૈસા આવે છે કયાંથી ?