શિયાળા દરમિયાન કુતરાઓ દ્વારા કરડવાની ઘટના પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી જતી હોય છે. હજુ થોડા સમય પહેલા જ સુરતમાં શ્વાને માસુમને ફાળી ખાઈ હતી. ત્યારબાદ તંત્ર આ બાબતે એલર્ટ બન્યું હતું. ત્યારે વધુ એક વખત સુરતમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો. દોડતી આવી રહેલી બાળકી પર તે તૂટી પડ્યો અને હાથ ફાડી નાખ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના વરાછા વિસ્તારની છે જ્યાં ઈંટવાડા ફળિયામાં જ્યારે બાળકી ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે એકાએક જ શ્વાને તેને જોતા જ તેના ઉપર હુમલો કરી દીધો હતો અને તેને ગંભીર રીતે કરડી લીધી હતી અને હાથ પર બચકું ભરીને ફાડી નાખ્યો હતો ત્યારે આસપાસના લોકો એકત્રિત થઈ જતા માસૂમને છોડાવી હતી.
શહેરના વેડરોડ વિસ્તારમાં શ્વાનના આતંકના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા જેમાં બાળકીના હાથમાં અને પગમાં કરડી લીધા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે શ્વાન જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે બાળકી સામેથી દોડતી દોડતી આવી રહી હતી. તેના ઉપર શ્વાનની નજર જતાની સાથે જ તેણે તેના ઉપર હુમલો કર્યો હતો અને આસપાસ ત્યારે કોઈ ન હોવાને કારણે બાળકીના હાથ અને પગના ભાગે બચકા ભરી લીધા હતા.