કચ્છનાં સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પાકિસ્તાની મરીન કમાન્ડો ઘુસ્યા હોવાના ઇન્ટેલીજન્સ ઇનપુટનાં આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ઓખા, દ્વારકાની દરીયાઇ પટ્ટી અને રાજુલા-જાફરાબાદ પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તથા દરિયામાં મરીન પોલીસ, કસ્ટમ, કોસ્ટગાર્ડ, સીઆઇએસએફ સહિતની એજન્સીઓના અધિકારીઓ દ્વારા માછીમારી બોટનું ચેકીંગ અને ઘુસણખોરો પર નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ હાઇવે પર સ્થાનિક પોલીસ દ્વારા વાહનોના ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં એલર્ટના પગલે 70 નોટિકલ માઈલ જેટલો દરિયા કિનારો ધરાવતા ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની રાઉન્ડ ધ ક્લોક ચેકીંગ કરી રહી છે. જિલ્લાનાં દરિયાકિનારે આતંકીઓના હિટલીસ્ટમાં રહેલાં સોમનાથ મંદિર આવેલું હોવાથી જિલ્લાનાં દરિયાકાંઠાના તમામ લેન્ડીંગ પોઈન્ટો પર સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.