પાલિકા-પંચાયતના હોદેદારોની પસંદગી માટે સેન્સ લેવા આવનાર
ગુજરાત વિધાનસભાની ચુંટણીના રેકોર્ડબ્રેક પરિણામ બાદ ભાજપમાં જાણે વિવાદોનું વાવેતર થયું હોય તેવું લાગી રહ્યું છે. પ્રદેશ ભાજપ દ્વારા પ્રથમવાર મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓની પસંદગી કરવા માટે સેન્સ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રદેશ દ્વારા આગામી ગુરૂવારથી ચાર દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અલગ-અલગ મહાનગરો અને જિલ્લા માટે નિરિક્ષકોની નિયુક્તી કરી દેવામાં આવી છે. પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા સ્થાનિક એકમને એવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હતા કે નિરિક્ષકોના નામ મીડીયા સમક્ષ કે અન્ય કોઇ સમક્ષ જાહેર કરવા નહી છતા નિરિક્ષકોના નામો લીક થઇ જતા પ્રદેશના નેતાઓ પણ મુંઝવણમાં મૂકાય ગયા છે.
મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં વર્તમાન પદાધિકારીઓની અઢી વર્ષની મુદત પૂર્ણ થઇ રહી છે. દરમિયાન હવે પછીની અઢી વર્ષની ટર્મ માટે મેયર, ડેપ્યૂટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને પક્ષના દંડક નક્કી કરવા માટે ભાજપ દ્વારા દાવેદારોની સેન્સ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવા માટે પ્રદેશ દ્વારા નિરિક્ષકોને જે-તે મહાનગર અને જિલ્લામાં મોકલવામાં આવે છે. તે રીતે જ નિરિક્ષકોને આગામી 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી જે-તે મહાનગર અને જિલ્લામાં મોકલવામાં આવશે. આ નિરિક્ષકો હોદ્ેદાર બનવા ઇચ્છુક કોર્પોરેટરોને સાંભળશે. અલગ-અલગ હોદાઓ માટે જે દાવેદાર ઇચ્છા વ્યક્ત કરશે. તેનું લીસ્ટ બનાવવામાં આવશે અને આ લીસ્ટને પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્થાનિક સંગઠનના હોદ્ેદારો સાથે પણ નિરિક્ષકો દ્વારા બેઠક યોજવામાં આવશે અને નામોને અગ્રતાક્રમ આપવામાં આવશે.
રાજકોટના મેયર સહિતના પદાધિકારી નક્કી કરવા જયંતિભાઇ કવાડિયા, આદ્યશક્તિબેન મજબૂદાર અને બ્રિજરાજસિંહ ઝાલા લેશે સેન્સ: જિલ્લામાં ઝવેરીભાઇ ઠકરાર, સુરેશભાઇ ધાંધલીયા અને જીજ્ઞાબેન પંડ્યાને નિરિક્ષક તરીકે જવાબદારી
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ગઇકાલે સાંજે પાલિકા અને પંચાયતમાં પદાધિકારીઓની પસંદગી કરવા માટે ત્રણ-ત્રણ નિરિક્ષકોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં બે પુરૂષ નેતા અને એક મહિલા આગેવાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો નિરિક્ષકોના નામ જાહેર કરી દેવામાં આવે તો દાવેદારો છેડા શોધવા માંડે અને નિરિક્ષકો સમક્ષ લોબીંગ શરૂ કરી દે. જેના કારણે સેન્સ પ્રક્રિયામાં પણ પારદર્શકતા જળવાય નહિં. સંગઠન મહામંબી રત્નાકરજી દ્વારા તમામ મહાનગર અને જિલ્લાના પ્રમુખને એવો આદેશ આપવામાં આવ્યો હતો કે નિરિક્ષકોના નામ જાહેર કરવા નહીં. પ્રદેશ મીડીયા વિભાગ દ્વારા પણ નિરિક્ષકોના નામો જાહેર કરવામાં આવ્યા નથી. છતાં પ્રદેશના આદેશનો ઉલાળીયો કરી નિરિક્ષકોના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. અમૂક નેતાઓએ પોતાને પ્રદેશ દ્વારા નિરિક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી હોવાનો મેસેજ પણ સોશિયલ મીડીયા પર મૂકી દીધા હતા. દરમિયાન પ્રદેશમાંથી ઠપકો મળતા તાત્કાલીક અસરથી સોશિયલ મીડીયા પરથી પોસ્ટ હટાવી દીધી હતી.
રાજકોટ મહાપાલિકા માટે શુક્રવારે જ્યારે જિલ્લા માટે રવિવારે સેન્સ લેવાશે
રાજકોટ મહાપાલિકાના મેયર, ડેપ્યૂટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન એમ ત્રણ હોદ્ાઓ માટે ઉમેદવાર પસંદગી કરવા માટે આગામી શુક્રવારે સેન્સ લેવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના પસંદગી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવા પ્રદેશ નિરિક્ષક તરીકે પૂર્વ મંત્રી જયંતિભાઇ કવાડિયા, જૂનાગઢના પૂર્વ મેયર આદ્યશક્તિબેન મજબૂદાર અને ભાવનગરના પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલાની નિયુક્તી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન એમ મુખ્ય ત્રણ હોદ્ાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવા આગામી રવિવારે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજકોટ જિલ્લા માટે પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા ઝવેરીભાઇ ઠકરાર, સુરેશભાઇ ધાંધલીયા અને જીજ્ઞાબેન પંડ્યાની નિરિક્ષક તરીકે વરણી કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લા પંચાયત અને અલગ-અલગ તાલુકા પંચાયતના પદાધિકારીઓની પસંદગી માટે દાવેદારોની સેન્સ લેવા પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો.પ્રશાંતભાઇ કોરાટ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી અને પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેશભાઇ ફાળકીની નિરિક્ષક તરીકે નિયુક્તી કરવામાં આવી છે. જ્યારે ભાવનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓની પસંદગી કરવા માટે સેન્સ લેવામાં નિરિક્ષક તરીકે કમલેશભાઇ મીરાણી, આઇ.કે.જાડેજા અને અમીબેન પરિખને જવાબદારી સોંપવામાં આવી છે.
નિરિક્ષકોના નામ જાહેર થતાની સાથે જ લાલ લાઇટવાળી ગાડીમાં ફરવા ઇચ્છુક નેતાઓ તલપાપડ બની ગયા છે. નિરિક્ષકોના છેડા શોધવા લાગ્યા છે.