શોર્ટ સર્કિટથી આગ લાગી : બે મજલાનો એક આખો વિભાગ ભસ્મીભૂત : નુકશાનીનો તાગ મેળવતા હજુ સમય લાગશે

મોરબી અને રાજકોટ ફાયર બ્રિગેડ દ્વારા સતત 11 કલાક સુધી જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવતા બપોરે આગ બુઝાઈ

અબતક, રાજકોટ : મોરબી -રાજકોટ હાઇવે ઉપર આવેલ અજંતા ઓરેવા ફેકટરીમાં ગઈકાલે વહેલી સવારે ચારેક વાગ્યાના સુમારે લાગેલી આગ અગિયાર કલાક બાદ બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં બુઝાઈ છે. પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી અને બાદમાં કલર શોપમાં રહેલા થિનર અને પ્લાસ્ટિક મટીરીયલને કારણે આગ વિકરાળ બનતા એક આખો વિભાગ ભસ્મીભૂત બની ગયો છે અને કરોડો રૂપિયાની નુકશાનીનો અંદાજ સેવાઇ રહ્યો છે. જો કે, આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Screenshot 2 43

પ્રાપ્ત વિગતો મુજન રાજકોટ -મોરબી હાઇવે ઉપર વિરપર નજીક આવેલ અજંતા ઓરેવા કંપનીમાં ગઇકાલે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં મોલ્ડીંગ અને કલરશોપ વિભાગમાં આગ લાગતા ધીમે ધીમે આગ પ્રસરીને વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગની ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડ વિભાગના હિતેશભાઈ સહિતનો કાફલો 3 ફાયર ફાઈટર, આઇસર, ટ્રેકટર સહિતના સરંજામ સાથે આગ બુઝાવવા માટે ઘટના સ્થળે દોડી ગયો હતો.

બીજી તરફ મોલ્ડીંગ વિભાગમાં રહેલ પ્લાસ્ટિક અને કલરશોપમાં રહેલા જ્વલનશીલ થિનર જેવા કેમિકલને કારણે આગ વિકરાળ બનતા મોરબી ફાયર બ્રિગેડના આગ બુઝાવવાના પ્રયાસો ટૂંકા પડતા તાત્કાલિક રાજકોટ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા રાજકોટથી પણ ત્રણ ફાયર ફાઈટર આવી પહોંચ્યા હતા અને સતત પાણીનો મારો ચલાવતા બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં આગ કાબુમાં આવી હતી.

આગની આ ઘટના અંગે અજંતા ઓરેવાના દિપકભાઈ પારેખે જણાવ્યું હતું કે, વહેલી સવારે ચારેક વાગ્યે લાગેલી આગ મોરબી અને રાજકોટ ફાયર વિભાગના સતત પ્રયાસથી બપોરે ત્રણેક વાગ્યા બાદ કાબુમાં આવી છે. વધુમાં મોલ્ડીંગ વિભાગ અને કલરશોપમાં આગ લાગવાથી કલરશોપમાં પડેલ થિનર અને અન્ય કેમિકલને કારણે આગ વધુ વિકરાળ બનતા ભોંયતળિયેથી લઈ પ્રથમ માળ અને બાદમાં બીજા માળ સુધી આગ પ્રસરી ગઈ હોવાનું તેમને ઉમેર્યું હતું.

વધુમાં તેમને આગની ઘટનામાં કરોડો રૂપિયાની નુકશાની હોવાનું જણાવી કહ્યુ હતુ કે આગને કારણે એક આખો વિભાગ સંપૂર્ણ નાશ પામ્યો છે અને નુકશાનીનો સાચો અંદાજ આવતા હજુ બે કે ત્રણ દિવસ જેટલો સમય લાગે તેમ હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કલરશોપમાં મોટા પ્રમાણમાં થિનર પડેલું હોય આગ વિકરાળ બનતા થિનરના બેરલ ધડાકા ભેર ફાટયા હોય આગ વધુ વિકરાળ બની હતી. જો કે સદનસીબે કંપની સંચાલકોએ અગમચેતી રાખતા એક પણ વ્યક્તિને ઇજા પણ પહોંચી નથી અને જાનહાની ન થતા હાશકારો અનુભવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.