- સવારે 6:30 વાગ્યે 10 કિમીની ઊંડાઈએ 7.1, પછી 7:02 વાગ્યે 4.7 અને 07:07 વાગ્યે 4.9ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકો ધરની બહાર દોડી આવ્યા
- બિહાર અને બંગાળમાં 10થી વધુ સેક્ધડ સુધી આંચકા અનુભવાયા, કોઈ જાનહાની નહિ
વહેલી સવારે તિબેટ અને નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. બંને દેશોની સરહદે આવેલા વિસ્તારોમાં સવારે 6.35 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. ભારતના ઘણા રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બિહાર આનાથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. આ સિવાય આસામ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન ભયભીત લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. યુએસજીએસ સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર લોબુચેથી 93 કિમી ઉત્તરપૂર્વમાં હતું. હાલમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. જો કે, સાતથી ઉપરની તીવ્રતાના ભૂકંપ ખતરનાક શ્રેણીમાં આવે છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે તિબેટ ક્ષેત્રના જીજાંગમાં ભૂકંપ આવ્યો હતો. અહીં સવારે 6:30 વાગ્યે 10 કિમીની ઊંડાઈએ 7.1ની તીવ્રતા સાથે ભૂકંપ આવ્યો હતો. આ પછી 7:02 વાગ્યે 4.7ની તીવ્રતાનો, 07:07 વાગ્યે 4.9ની તીવ્રતાનો અને 7:13 વાગ્યે પાંચની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. જેના કારણે લોકો ઘર છોડીને ખુલ્લી જગ્યાઓ તરફ જતા રહ્યા હતા. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ભૂકંપની અસર ભારતના નેપાળ, ભૂતાન અને સિક્કિમ, ઉત્તરાખંડમાં પણ જોવા મળી હતી. હાલમાં ભારતમાં ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી. નેપાળ અને ચીનમાં અત્યાર સુધી કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી. અગાઉ ગયા મહિને એટલે કે 21મી ડિસેમ્બરે નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી હતી.
નેપાળમાં શા માટે વારંવાર ભૂકંપ આવી રહ્યો છે?
આઈઆઈટી કાનપુરના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના વરિષ્ઠ પ્રોફેસર અને જીઓસાયન્સ એન્જિનિયરિંગના નિષ્ણાત પ્રો. જાવેદ એન મલિક અનુસાર, 2015માં પણ નેપાળમાં 7.8 થી 8.1ની તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર પૂર્વ નેપાળ હતું. હિમાલયની શ્રેણીમાં અસ્થિર ટેક્ટોનિક પ્લેટોને કારણે ભૂકંપના આંચકા અનુભવાતા રહેશે.