જન જીવન અસ્ત-વ્યસ્ત: ૨૮૬૮ મકાનો નેસ્તો-નાબૂદ, ૫૪૧૦થી વધુને ભારે નુકસાની
શનિવારે હૈતીમાં ૭.૨ તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં ૧૨૯૭ લોકો માર્યા ગયા હતા અને ૫૭૦૦ ઘાયલ થયા હતા. હૈતીની સિવિલ પ્રોટેક્શન એજન્સીના ડિરેક્ટર જેરી ચાન્ડલરે જણાવ્યું હતું કે સૌથી વધુ જાનહાનિ દેશના દક્ષિણમાં થઈ છે. શનિવારના ભૂકંપ અને ભૂસ્ખલનથી કેટલાક શહેરો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા હતા અને બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો. ભૂકંપને કારણે, કોરોનાવાયરસ રોગચાળાથી પહેલેથી જ ખરાબ રીતે પ્રભાવિત હૈતીના લોકોની વેદનામાં વધુ વધારો થયો છે.
યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર રાજધાની પોર્ટ ઓ પ્રિન્સથી લગભગ ૧૨૫ કિલોમીટર દૂર હતું. આગામી સપ્તાહની શરૂઆતમાં કટોકટી વધુ વકરી શકે છે, કારણ કે સોમવાર અથવા મંગળવાર સુધીમાં વાવાઝોડુ ગ્રેસ હૈતી પહોંચી શકે છે. ભૂકંપ બાદ દિવસ અને રાત સુધી આંચકા અનુભવાયા હતા. બેઘર લોકો અને જેમના મકાનો તૂટી જવાની આરે છે, તેઓએ રાત ખુલ્લામાં શેરીઓમાં પસાર કરી. વડા પ્રધાન એરિયલ હેનરીએ કહ્યું કે તેઓ એવા સ્થળોએ મદદ મોકલી રહ્યા છે જ્યાં શહેરો તબાહ થઈ ગયા હતા અને હોસ્પિટલો દર્દીઓથી ભરેલી હતી.
વડાપ્રધાને દેશભરમાં એક મહિના લાંબી કટોકટીની સ્થિતિ જાહેર કરી છે અને કહ્યું છે કે જ્યાં સુધી નુકસાનનું મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી તેઓ આંતરરાષ્ટ્રીય મદદ લેશે નહીં. તેમણે કહ્યું કે કેટલાક શહેરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ અને અસરગ્રસ્ત વિસ્તારોની હોસ્પિટલો ઘાયલોની સંભાળ લઈ રહી છે. તેમણે હૈતીના લોકોને આ સમયે એક થવાની અપીલ કરતા કહ્યું કે જરૂરિયાતો પુષ્કળ છે. આપણે ઘાયલોની સંભાળ રાખવી, ખોરાક, સહાય, કામચલાઉ આશ્રય અને મનોવૈજ્ઞાનિક સહાય પૂરી પાડવી પડશે.
ચાન્ડલરે અહેવાલ આપ્યો હતો કે ઓછામાં ઓછા ૨૮૬૮ મકાનો નાશ પામ્યા હતા અને ૫૪૧૦થી વધુને નુકસાન થયું હતું. હોસ્પિટલો, શાળાઓ, કચેરીઓ અને ચર્ચ પણ પ્રભાવિત થયા હતા. તે જ સમયે, યુએસ પ્રેસિડેન્ટ જો બિડેને યુએસએઆઈડી એડમિનિસ્ટ્રેટર સામન્થા પાવરને હૈતીને યુએસ સહાય માટે સંકલન અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. યુએસએઆઈડી નુકસાનનું મૂલ્યાંકન કરવામાં અને પુન:નિર્માણમાં મદદ કરશે. આર્જેન્ટિના, ચીલી સહિત ઘણા દેશોએ પણ મદદની ઓફર કરી છે.