જૂનાગઢના દામોદરકુંડ, પ્રભાસપાટણ તેમજ પ્રાચી તીર્થ સહિતનાં વિવિધ શિવાલયોમાં પિતૃતર્પણ માટે ભાવિકો ઉમટયા
આજે સર્વપિત્રી અમાસ છે પિતૃઓની મુકિત માટે આજે પુરુષો દ્વારા પીપળે પાણી રેડી પૂજન કરી તૃપ્ત કરાય છે. આજે જૂનાગઢનાં દામોદરકુંડ, પ્રભાસપાટણ તેમજ પ્રાચી તીર્થમાં મોટી સંખ્યામાં લોકો તર્પણવિધિ કરવા ઉમટી પડયા હતા. જૂનાગઢનાં દામોદરકુંડ ખાતે ભાદરવી અમાસ નિમિતે મોટી સંખ્યામાં ભાવિકો પિતૃતર્પણ કરવા ઉમટી પડયા હતા. હિન્દુ સંસ્કૃતિમાં પીપળે પાણી રેડવાથી પિતૃઓની તૃપ્તિ થતી હોવાની માન્યતા છે. તેમાં પણ ભાદરવી અમાસ નિમિતે પિતૃ તર્પણનું વિશેષ મહાત્મય છે. આજે વહેલી સવારથી જ હજારો લોકો દામોદરકુંડ ખાતે ઉમટી પડયા અને પવિત્ર કુંડમાં સ્નાન કરી તટ પર આવેલા પીપળે પાણી રેડી તર્પણ કરશે. ભાવિકોની સંખ્યાને ધ્યાને લઈ તંત્ર દ્વારા ભવનાથ તરફ જતા રસ્તો એક માર્ગીય જાહેર કરી દીધો છે. આજે સાંજે ૫ વાગ્યા સુધી એક માર્ગીય રહેશે.
આ સાથે જ મોરબી નજીક આવેલા રફાળેશ્ર્વર મહાદેવ મંદિરે અમાસનાં બે દિવસીય પરંપરાગત મેળાનો પ્રારંભ થયો હતો. આજે મોરબી સહિત સૌરાષ્ટ્રભરનાં લોકો મોટી સંખ્યામાં આવીને રફાળેશ્ર્વર મંદિરે આવેલા પ્રાચીન પીપળે પિતૃ તર્પણ કરીને મેળાની મજા માણશે. જયારે રાજકોટમાં આવેલા તમામ શિવાલયોમાં પણ આજે પીપળે પાણી ચઢાવવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. જેમાં ખાસ કરીને થડેશ્ર્વર મહાદેવ, પંચનાથ મહાદેવ, જડેશ્ર્વર મહાદેવ, નાગનાથ મહાદેવ, ધારેશ્ર્વર મહાદેવ જેવા વિવિધ શિવમંદિરોમાં આજે પિતૃતર્પણ અર્થે લોકો ઉમટી પડયા હતા.