કોરોનાના કપરા સમયમાં સહ. સંસ્થાઓને રાહત આપતો સરકારનો નિર્ણય

સાધારણ સભા બોલાવવાની મુદત પણ વધારી ૩૧ માર્ચ ૨૦૨૧ કરાઈ: ડિવિડન્ડ, આર્થિક લાભાલાભ વહેંચણી માટે સામાન્ય સભાની પૂર્વ મંજૂરીની જરૂર નહીં

રાજ્યમાં હાલ પ્રવર્તતી કોરોનાની કપરી સ્થિતિના કારણે રાજ્ય સરકારે સહકારી મંડળીઓ અને સહકારી બેંકો માટે રાહતરૂપ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સહકારી મંડળીઓ અને સહકારી બેંકોના બોર્ડની મુદત લંબાવી છે અને ૩૧ ડિસેમ્બર સુધીની કરી છે. આ ઉપરાંત ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી સાધારણ સભા યોજવા છૂટ આપી છે અને મંડળીઓ કે બેંકોના કારોબારી કે વ્યવસ્થાપક બોર્ડને ડિવિડન્ડ વહેંચણી જેવા નાણાકીય વ્યવહાર માટે છૂટ આપી છે.

હાલ રાજ્યમાં કોરોનાના કહેરને લીધે મંડળી કે અન્ય સંસ્થાના કોઈ કાર્યક્રમો થઈ શકતા નથી કે વધુ લોકોને ભેગા કરી બેઠક યોજી શકાતી નથી. કોરોનાને રોકવા આ માટેના પ્રતિબંધાત્મક આદેશો ચાલુ છે. આવા સંજોગોમાં સરકારે સહકારી મંડળીઓ અને સહકારી બેંકોને રાહત મળે તેવા ત્રણ મહત્વના નિર્ણયો લીધા છે.

સહકારી મંડળીઓ, સહકારી બેંકો સહિત સહકારી સંસ્થાઓને ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી સાધારણ સભા બોલાવવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત જે સહકારી સંસ્થાઓની મુદત પૂરી થઈ ગઈ છે. અથવા આગામી સમયમાં પૂરી થઈ રહી છે તે સંસ્થાઓને ચૂંટણી યોજવા માટે ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીની છૂટ આપવામાં આવી છે. સરકારે ત્રીજો મહત્વનો નિર્ણય એ ર્ક્યો છે કે જે તે સહકારી સંસ્થા મંડળી, બેંક કે અન્ય સંસ્થા પોતાના સભાસદોને આર્થિક લાભાલાભ વહેંચી શકે તે માટે જે તે સંસ્થાની કારોબારીને સત્તા આપવામાં આવી છે એટલે કે, સહકારી સંસ્થા પોતાની સાધારણ સભામાં મંજૂરી મેળવ્યા વિના જ ડિવિડન્ડ વળતર કે અન્ય લાભાલાભ વિના જ આપી શકશે.

બાદમાં આવા લાભાલાભ અંગે સાધારણ સભામાં મંજૂરી મેળવવી પડશે. સહકારી ક્ષેત્રના જાણીતા અને સીનીયર એડવોકેટ મહેન્દ્રભાઈ ફળદુએ સરકારના આ નિર્ણયને આવકારી જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્ર માટે આ નિર્ણયો રાહતરૂપ છે. હાલ કોરોનાની દહેશત વચ્ચે કડક નિયંત્રણો પાળવામાં આવી રહ્યાં છે ત્યારે સહકારી ક્ષેત્રની મંડળીઓ, બેંકો વગેરેને રાહત થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.