• પાકિસ્તાને હવાઈ હુમલા કરી 8 નાગરિકોને માર્યા બાદ તાલિબાનોએ પણ વળતા હુમલા કરી 7 સૈનિકોને માર્યા

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હવાઈ હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.  પાકિસ્તાને સોમવારે 18 માર્ચે અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હતા. જેમાં 8 નાગરિકોના મોત નિપજ્યા હતા. તાલિબાને પાકિસ્તાનના આ હવાઈ હુમલાનો બદલો લીધો અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો.  તાલિબાન દળોએ પાકિસ્તાનની સૈન્ય ચોકીઓને નિશાન બનાવી ભારે બોમ્બમારો અને ગોળીબાર કર્યો હતો. જેમાં 7 સૈનિકોના મોત નિપજ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાન સૈનિકોએ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ ડ્યુરન્ડ લાઇન પર બુર્કીમાં ગોળીબાર અને બોમ્બમારો કર્યો હતો.  આ દરમિયાન 7 પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સેનાઓ વચ્ચે સરહદ પર લોહિયાળ અથડામણ પણ થઈ હતી.તાલિબાનના નેતૃત્વ હેઠળના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે પાકિસ્તાનના હુમલાના જવાબમાં તાલિબાની સરહદી દળોએ ભારે હથિયારો વડે પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવી હતી.  મંત્રાલયે એમ પણ કહ્યું કે સુરક્ષા દળો અફઘાનિસ્તાનની સુરક્ષા માટે કોઈપણ આક્રમક કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયાર છે અને કોઈપણ સંજોગોમાં પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરશે.

તાલિબાનના નેતૃત્વ હેઠળના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની યુદ્ધ વિમાનો ફરી એકવાર અફઘાન ક્ષેત્રમાં પ્રવેશ્યા અને પક્તિકા પ્રાંતના બરમેલ જિલ્લામાં અને ખોસ્ટ પ્રાંતના સેપેરા જિલ્લામાં નાગરિકોના ઘરો પર બોમ્બમારો કર્યો.  જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા.  જેમાં પાંચ મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનના હવાઈ હુમલા બાદ તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે પાકિસ્તાનને ચેતવણી આપી હતી.  તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વના કોઈપણ ઉલ્લંઘનના ગંભીર પરિણામો આવશે.  આ સાથે, તાલિબાને પાકિસ્તાનની નવી રચાયેલી સરકારને પણ વિનંતી કરી છે કે તે બે પાડોશી દેશો વચ્ચેના સંબંધોને જોખમમાં મૂકે તેવા બેજવાબદાર પગલાંને મંજૂરી ન આપે.પાકિસ્તાનમાં તાજેતરના આતંકવાદી હુમલાઓને લઈને બંને દેશો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે.  પાકિસ્તાનનો આરોપ છે કે આ હુમલા અફઘાનિસ્તાનની ધરતી પરથી કરવામાં આવ્યા છે.  જ્યારે તાલિબાને પાકિસ્તાનના આ દાવાને ખોટો ગણાવ્યો છે.  પાકિસ્તાની મીડિયા અનુસાર, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન કમાન્ડર અબ્દુલ્લા શાહ અફઘાન વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં માર્યો ગયો હતો.  જો કે, બાદમાં કમાન્ડરે એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો હતો કે તે દક્ષિણ વઝીરિસ્તાનમાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.