ગોળીબાર નહીં, પથ્થરમારો અને લાકડીઓથી સામસામે હુમલો ભારત-ચીન બોર્ડર પર ૪૫ વર્ષ બાદ આવી સ્થિતિ પેદા થઈ
ભારત-ચીન સીમા વિવાદ હવે મોટા તણાવમાં બદલાઈ રહ્યો છે. સોમવારે રાતે લદ્દાખની ગાલવાન વેલીમાં બન્ને દેશના સૈનિક વચ્ચે હિંસક અથડામણ થઈ છે. જેમાં ભારતના એક કર્નલ અને બે જવાન શહીદ થયા છે. જે કર્નલ શહીદ થયા તેઓ ઇન્ફન્ટ્રી બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર હતા. મળતી માહિતી પ્રમાણે, બન્ને દેશોના સૈનિક વચ્ચે હિંસક અથડામણ ડી-એક્સકેલેશનની પ્રોસેસ દરમિયાન થઈ હતી. ડી-એક્સકેલેશન હેઠળ બન્ને દેશોની સેના તણાવ ઓછો કરવાના પ્રયાસ કરી રહી છે.
ભારત-ચીન બોર્ડર પર ૪૫ વર્ષ બાદ (૧૯૭૫ પછી) આવી પરિસ્થિતિ પેદા થઇ છે જ્યાં ભારતના જવાનો શહીદ થયા છે. આ વખતે કોઇ ફાયરિંગ થયું નથી. સૈનિકો વચ્ચે પથ્થરમારો થયો હતો. લાઠીથી એકબીજા પર હુમલો કર્યો હતો. ભારતીય જવાનોની વળતી કાર્યવાહીમાં ચીનના પણ ૩ સૈનિક માર્યા ગયા હોવાનું જાણવા મળે છે.
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત એકપક્ષીય કાર્યવાહી ન કરે, નહિંતર મુશ્કેલી વધશે. ચીનના સમાચારપત્ર ગ્લોબલ ટાઇમ્સે ચીનના વિદેશ મંત્રાલયને ટાંકીને જણાવ્યું છે કે બોર્ડર પર બન્ને દેશો વચ્ચે સમજૂતિ થઇ હતી પરંતુ ભારતના જવાનોએ તેનો ભંગ કરીને બોર્ડર ક્રોસ કરી હતી. ત્યારબાદ ચીનના સૈનિકો પર હુમલો કર્યો હતો. તેના લીધે હિંસક અથડામણ થઇ. રાજનાથસિંહે હાઇલેવલ બેઠક કરી
રક્ષામંત્રી રાજનાથસિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, ત્રણેય સેનાના ચીફ અને વિદેશમંત્રી એસ જયશંકર સાથે બેઠક કરી.
પૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશ્ન્સ લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) વિનોદ ભાટિયા જણાવે છે કે બન્ને તરફથી સૈનિકો વચ્ચે થયેલી આ હિંસક અથડામણ અને તેમાં એક કર્નલ અને બે જવાનોની શહીદી ગંભીર ચિંતાનો વિષય છે. બન્ને પક્ષોને સાથે બેસીને પરિસ્થિતિ કાબૂમાં લાવવી પડશે. આ હિંસક અથડામણ દર્શાવે છે કે પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ છે. તેને સામાન્ય ગણવાની ભૂલ ન કરવી જોઇએ.
૧૯૬૨ના યુદ્ધ પછી ૧૧ સપ્ટેમ્બર ૧૯૬૭ના સિક્કિમના નાથૂ-લામાં ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. ત્યારબાદ ૧૫ સપ્ટેમ્બર ૧૯૬૭ના પણ અથડામણ થઇ હતી. ત્યારે ઓક્ટોબર ૧૯૬૭માં વિવાદ માંડ શમ્યો હતો. ચીને ત્યારે દાવો કર્યો હતો કે ભારતના ૬૫ સૈનિક શહીદ થયા હતા. ચો લામાં થયેલી અથડામણમાં ભારતના ૩૬ જવાન શહીદ થયા હતા. એક અનુમાન પ્રમાણે આ બધી અથડામણ દરમિયાન ચીનના ૪૦૦ સૈનિકોના પણ મોત થયા હતા.
૨૦ ઓક્ટોબર ૧૯૭૫ના દિવસે અરુણાચલ પ્રદેશના તુલંગ લામાં અસમ રાઇફલ્સની પેટ્રોલિંગ પાર્ટી પર એમ્બુશ કરીને હુમલો કરવામા આવ્યો હતો. તેમાં ભારતના ૪ જવાન શહીદ થયા હતા.
મે માસથી તણાવ, જૂનમાં ચાર વાર વાતચીત થઈ તેમ છતાં હિંસા ભડકી
બંને દેશો વચ્ચે ૪૧ દિવસથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. તેની શરૂઆત ૫ મેથી થઈ છે. ત્યારપછી બંને દેશોની સેના વચ્ચે જૂનમાં જ ચાર વાર વાતચીત થઈ ચૂકી છે.
વાતચીતમાં બંને દેશોની સેના વચ્ચે નક્કી થયું હતું કે સીમા પર વિવાદ ઓછો કરવામાં આવશે અથવા ડી-એક્સકેલેશન કરવામાં આવશે. ડી-એક્સકેલેશન અર્ંતગત બંને દેશોની સેના વિવાદવાળા સ્થળેથી પાછળ ખસી રહી હતી.