ઓછો વરસાદ પડયો હોય તેવા ૪૪ તાલુકાઓમાં પશુનેઘાસચારો અપાશે તેમજ ખેડુતોને ઉભો મોલ બચાવવા બે કલાક વધારે વિજળી આપવા સરકારનો નિર્ણય
ચાલુ વર્ષે રાજયમાં જુન મહિનો કોરો ધાકોડ રહ્યા બાદ જુલાઈ માસમાં સર્વત્ર વરસાદ વરસ્યો હતો પરંતુ રાજયનાં અનેક તાલુકાઓમાં હજુ નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હોય સરકાર ચિંતિત બની છે. ગઈકાલે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સરકારે વરસાદ ખેંચાતા ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને ખાસ કરીને કચ્છ જિલ્લામાં પીવાના પાણીની પરિસ્થિતિ વિકટ હોય ટપ્પર ડેમને નર્મદાના નીરથી ભરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ રાજયમાં અપુરતા વરસાદના કારણે સરકાર પાણીની અછત, ઘાસચારાની પરિસ્થિતિ અને ખેડુતોના ઉભા મોલની ચિંતા કરી રહી છે. ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં હાઈ લેવલ કમિટીની બેઠક મળી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ તેમજ અન્ય મંત્રીઓ અને વરીષ્ઠ અધિકારીઓની હાજરીમાં પીવાના પાણીની સ્થિતિ, પશુઓનો ઘાસચારો તેમજ ખેડુતોને વધારાની વિજળી આપવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજયમાં વરસાદની સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં શ્રીકાર વરસાદ થયો છે ત્યારે ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓની પરિસ્થિતિ વિકટ હોય સરકાર દ્વારા અહેવાલ મંગાવવામાં આવ્યો હતો અને ૪૪ તાલુકાઓમાં અપુરતા વરસાદના કારણે પીવાના પાણી તેમજ પશુઓની પરિસ્થિતિની ચિંતા કરી સરકાર દ્વારા પશુ નિભાવ માટે રૂ.૨ પ્રતિ કિલોના ભાવે ઘાસ આપવાની યોજના ૩૧ જુલાઈ ૨૦૧૮ હતી તેમાં વધારો કર્યો છે.
દરમિયાન કચ્છ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં અપુરતો વરસાદ પડયો હોય પીવાના પાણીની પરિસ્થિતિ ખુબ જ ગંભીર છે. આ માટે સરકાર દ્વારા કચ્છના ટપ્પર ડેમમાં ૫૦૦ એમસીએફટી નર્મદાનું નીર ઠાલવી ડેમને ભરવા માટે લીલીઝંડી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે અસરગ્રસ્ત કુલ ૪૪ તાલુકાઓ પૈકી કચ્છના ૧૦ તાલુકાઓનો સમાવેશ થાય છે.
વધુમાં સરકાર દ્વારા હાલમાં વરસાદ ખેંચાયો હોવાથી ખેડુતોના ઉભા મોલને બચાવવા માટે દૈનિક જે ૮ કલાક વિજળી આપવામાં આવી રહી છે તેમાં ૨ કલાકનો વધારો કરી ખેડુતોને ૧૦ કલાક વિજળી આપવા પણ નકકી કરાયું હતું. આ ઉપરાંત સરકાર દ્વારા જરૂર જણાયે કૃત્રિમ વરસાદ વરસાવવાની પણ તૈયારી શરૂ કરવામાં આવી હોવાનું સુત્રોએ અંતમાં જણાવ્યું હતું