હાલ ૧૦ ગામોમાં ૫૬ ટેન્કરો દ્વારા રોજ ૩૩૭ ફેરા: જરૂર પડયે પાણીનાં ટેન્કરનાં ફેરા વધારવા પણ રૂડાની તૈયારી
રાજકોટ અર્બન ઓથોરીટી ડેવલોપમેન્ટ (રૂડા)માં સમાવિષ્ટ ગામો પૈકી ૨૪ ગામોમાં ૮૮ કરોડનાં ખર્ચે પાણીની પાઈપલાઈનનું નેટવર્ક બિછાવવા માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ કાળઝાળ ઉનાળામાં લોકોને પીવાનું પાણી પર્યાપ્ત માત્રામાં મળી રહે તે માટે રૂડાનાં ૧૦ ગામોમાં રોજ ૫૬ ટેન્કરો દ્વારા ૩૩૭ પાણીનાં ફેરા કરવામાં આવી રહ્યા છે.
રૂડાનાં ગામોમાં પાણીની પાઈપલાઈનનું નેટવર્ક બિછાવવા માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરવા રાજય ચુંટણી પંચ સમક્ષ રૂડા દ્વારા મંજુરી માંગવામાં આવી હતી જેને ચુંટણીપંચે મંજુરી આપતાની સાથે જ રૂડાએ આ કામ માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. ટેન્ડર ફાઈનલ થયા બાદ ૨૪ ગામોમાં પાણીની પાઈપલાઈનનું નેટવર્ક બિછાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
રૂડાનાં અલગ-અલગ ૧૦ ગામોમાં હાલ દૈનિક ૫૬ ટેન્કર દ્વારા ૩૩૭ પાણીનાં ફેરા કરવામાં આવી રહ્યા છે જો જ‚રીયાત વધશે તો આ ૧૦ ગામોમાં પાણીનાં ફેરા વધારવાની પણ રૂડાની તૈયારી છે. આ માટે ગામનાં સરપંચને સાથે રાખી રૂડાનાં અધિકારીઓ દ્વારા સર્વે કરાયા બાદ ફેરા વધારવા અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ માધાપર, મોટામવા, કાંગશીયાળી અને આણંદપરમાં પાણીની જરૂરીયાત વધુ માત્રામાં રહે છે.