બજેટમાં મુકેલા પ્રોજેકટ્સો તત્કાલ શરૂ કરવા રીવ્યુ બેઠક યોજતા મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ
રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં મુકવામાં આવેલા મહત્વકાંક્ષી પ્રોજેકટો તત્કાલ શરૂ થઈ શકે તે માટે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સહિતના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી હતી. બજેટમાં મુકવામાં આવેલા પ્રોજેકટો ઝડપથી શરૂ કરવા તાકીદ કરી છે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની, ડીએમસી ચેતન નંદાણી, જાડેજા, સિટી એન્જીનીયર પંડયા, કામલીયા, ગોહિલ, દોઢીયા તથા રોશની શાખા અને વોટર વર્કસ શાખાના અધિકારીઓ સાથે બજેટની રીવ્યુ બેઠક બોલાવવામાં આવી હતી અને બજેટમાં મુકવામાં આવેલા વિવિધ પ્રોજેકટોની કામગીરી કયાં સુધી પહોંચી તેની સમીક્ષા કરવામાં આવી હતી.
વોર્ડ નં.૧૭માં નવું ઓડિટોરીયમ બનાવવા ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટ બનાવવા, રેસકોર્સ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે મોન્યુમેન્ટર ફલેગ બનાવવા માટે એરપોર્ટ ઓથોરીટીની મંજુરી લેવા, વિમેન્સ લ્યુરીનલ મહાનુભાવોની પ્રતિમા પર સ્પોર્ટસ રાઈડ, પરાબજાર અને દાણાપીઠના વોકળા પર એલીવેટેડ રોડ, રેસકોર્સમાં ચિલ્ડ્રન પાર્ક, કાલાવડ રોડ પર ગાયત્રી મંદિર પાસે રાત્રીબજાર, વાવડીમાં નવો બગીચો, શહેરના અલગ-અલગ વિસ્તારોમાં થીમ બેઈઝ ગાર્ડન સહિતના પ્રોજેકટો અંગે ચર્ચા કરવામાં આવી હતી. કેકેવી ચોક ખાતે અંડરબ્રીજ બનાવવા માટે ટુંક સમયમાં ટેન્ડર પ્રસિઘ્ધ કરવા પણ તાકીદ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત આમપ્રાલી ફાટક પાસે પણ બ્રીજ બનાવવાની કામગીરી શરૂ કરવા માટે ટુંક સમયમાં રેલવેના અધિકારીઓ સાથે મીટીંગ બોલાવવામાં આવશે. તેઓએ ઉમેર્યું હતું કે, બજેટમાં સમાવેશ કરવામાં આવેલા પ્રોજેકટ ઝડપથી આગળ વધે અથવા શરૂ થાય તે દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સહિતના અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.