શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલા ૧૦ પ્લોટ-મેદાન ભાડે અપાશે: ૧૦મીએ ટેન્ડરની મુદત પૂર્ણ
સાતમ-આઠમના મેળામાં મહાપાલિકા હસ્તકના અલગ અલગ ટીપીના પ્લોટ તથા સાર્વજનિક મેદાનો ભાડે આપવા માટે એસ્ટેટ શાખા દ્વારા આજે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. ટેન્ડર પ્રક્રિયામાં આગામી ૧૦મી જુલાઈના રોજ પૂર્ણ થશે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા ૧૦ જેટલા ટીપીના પ્લોટ અને મેદાનો જન્માષ્ટમીના મેળાઅને પાર્કિંગ માટે ભાડેઆપવામાં આવશે.આ અંગે એસ્ટેટ શાખાના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ જન્માષ્ટમીના મેળા માટે મહાપાલિકાની એસ્ટેટ તથા ટીપી શાખા હસ્તકના પ્લોટ અને મેદાન ભાડે આપવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. ૧૦ જુલાઈ સુધી ટેન્ડર સ્વીકારવામાં આવશે. જેમાં પ્રતિ ચો.મી.નો પ્રતિદિનની અપસેટ કિંમતરૂ.૫ નિયત કરવામાં આવી છે. અપસેટ કિંમત કરતા સૌથી મોટી બોલી લગાવનાર આસામીને મેદાન ભાડે આપવામાં આવશે. આજી-૧ ડેમ મેદાન, ન્યારી ડેમ પાસેનું મેદાન, સાધુ વાસવાણી રોડ પરનો પ્લોટ, રૈયા ચોકડી પાસે, રોઝરી સ્કુલ નજીક આવેલું મેદાન, નાના મવા ચોકડી પાસેનો પ્લોટ, બાલાજી હોલ પાસેનો પ્લોટ અને પારડી રોડ કોમ્યુનિટી હોલ પાસે આવેલા મહાપાલિકાના પ્લોટ સહિત અલગ અલગ ૧૦ થી ૧૨ મેદાન કે પ્લોટ ભાડે આપવામાં આવશે.
જો કોઈ વ્યક્તિ પોતાના ઘર આસપાસ આવેલા ટીપીના પ્લોટ પર મેળો કરવા માંગતો હશે તો તમામ શકયતાઓ ધ્યાનમાં રાખી આ પ્લોટ ભાડે આપવામાં આવશે. સાતમ આઠમના તહેવારમાં મેળાઓ માટે પ્લોટ ભાડે આપવાથી મહાપાલિકાને લાખો રૂપિયાની આવક થાય છે.