વૃક્ષારોપણ અભિયાનનું બાળમરણ થઈ જાય તેવી દહેશત ચોમાસું વિત્યા બાદ ટ્રી ગાર્ડના વિતરણનું મુહૂર્ત આવશે?
રાજકોટને ખરાઅર્થમાં હરિયાળું બનાવવા માટે મહાપાલિકાના શાસકો દ્વારા વૃક્ષારોપણ અભિયાન શ‚ કરવામાં આવ્યું છે. જોકે આ અભિયાનનું બાળમરણ થઈ જાય તેવું લાગી રહ્યું છે. હાલ કોર્પોરેશનમાં ટ્રી ગાર્ડ ખલાસ થઈ ગયા છે. રૂ.૬૦ લાખના ખર્ચે નવા ૬૦૦૦ ટ્રી ગાર્ડ ખરીદવા માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યું છે. ટેન્ડર ફાઈનલ કર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીની મંજુરી લેવામાં આવશે. ત્યારબાદ વર્ક ઓર્ડર આપ્યા બાદ ટ્રી ગાર્ડ આવ્યા પછી તેનું વિતરણ કરવામાં આવશે ત્યાં ચોમાસું ૮૦ ટકા પૂર્ણ થઈ ગયું હશે.
મહાપાલિકાની ગાર્ડન શાખા દ્વારા અત્યાર સુધીમાં ૩૫૦૦ નંગ ટ્રી ગાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું હોવાનું કહેવામાં આવે છે. હાલ ચોમાસાની સીઝનમાં ટ્રી ગાર્ડની માંગ ખુબ જ રહે છે ત્યારે જ ગાર્ડન શાખા પાસે ટ્રી ગાર્ડનો જથ્થો ખલાસ થઈ જતા રૂ.૧૦૦૦ લેખે ૧ એવા ૬૦૦૦ નંગ ટ્રી ગાર્ડની ખરીદી કરવા માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યું છે. આ ટ્રી ગાર્ડ ૧૩.૭ કિલો ગ્રામનું હશે.
ટ્રી ગાર્ડની ખરીદી પાછળ ૬૦ લાખ રૂપિયા ખર્ચવામાં આવશે. ટેન્ડરની મુદત આગામી ૧૮મી ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ રહી છે. દર વર્ષે મહાપાલિકા દ્વારા અડધું ચોમાસું વિત્યા બાદ જ ટ્રી ગાર્ડની ખરીદી કરવામાં આવે છે. જેના કારણે લોકોને જોઈએ તેટલો લાભ મળતો નથી.
આવતા વર્ષથી ટ્રી ગાર્ડની ખરીદી માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરવાની અને સ્ટેન્ડિંગ કમિટીની મંજુરી લેવા સહિતની પ્રક્રિયા એપ્રિલ-મે માસમાં જ પૂર્ણ કરી લેવા તાકીદ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. રૂ.૧૦૦૦ ખર્ચે ખરીદવામાં આવતા ટ્રી ગાર્ડ સામાન્ય શહેરીજનોને ૫૦ ટકાની સબસીડી સાથે રૂ.૫૦૦માં જયારે નગરસેવકોને ૭૫ ટકાની સબસીડી સાથે રૂ.૨૫૦માં આપવામાં આવે છે.