૧૧મી ફેબ્રુઆરીએ પ્રિ–બિડ મિટીંગ: મેયર બિનાબેન આચાર્ય તથા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની જાહેરાત
રાજકોટ મહાપાલીકા દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે શ્રેણીબદ્ધ પગલાંઓ લેવામાં આવી રહયા છે. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાને મહત્વપૂર્ણ આર્થિક સહયોગ સાંપડી રહયો છે. શહેરમાં સરળ પરિવહન માટે બે દિવસ પહેલા જ ગોંડલ ચોકડી ખાતે નિર્માણ પામનારા ફ્લાય ઓવરનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ખાતમુહૂર્ત થયું હતું.
આ સિલસિલો આગળ ધપાવતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકમાં રાજ્ય સરકારના સહયોગથી કુલ રૂ. ૫૯.૨૪ કરોડના ખર્ચે ટ્રાયએન્ગ્યુંલર ફ્લાયઓવર બ્રીજનિર્માણ પામનાર ફ્લાયઓવર માટે ગઈકાલના રોજ ટેન્ડર નોટીસ બહાર પાડવામાં આવેલ છે, તેમ મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આજે જાહેર કર્યું હતું.
મેયર અને કમિશનરે વિશેષમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ચોકમાં થ્રી આર્મ ફ્લાયઓવર એટલે કે, ફ્લાયઓવરનો એક છેડો જામનગર રોડ પર રેલ્વે હોસ્પિટલના ગેઈટ નજીક , બીજો છેડો કુવાડવા રોડ પર આઈ. પી. મિશન સ્કૂલ પાસે અને ત્રીજો છેડો જવાહર રોડ નજીક જ્યુબિલી બાગ પાસેના નાલા પાસે આવશે, એમ ત્રણ દિશામાંથી આવવા જવાની સુવિધા ઉપલબ્ધ બનાવનાર ટ્રાયએન્ગ્યુંલર ફ્લાયઓવર બ્રીજ (ત્રિપાંખીયો ફ્લાયઓવર) બનશે.
મેયર અને મ્યુનિ. કમિશનરે વધુમાં એમ પણ કહ્યું હતું કે, આ ફ્લાયઓવરના ટેન્ડર બહાર પડી ચુક્યા છે અને હવે તા.૧૧.૨.૨૦૧૯ ના રોજ સાંજે ૪.૦૦ વાગ્યે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે પ્રિ-બીડ મિટિંગનું આયોજન પણ કરવામાં આવનાર છે.
રાજકોટ શહેર હાલના સૌથી ગીચ ટ્રાફિક સર્કલ તરીકે ગણાતા હોસ્પિટલ ચોકમાં ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા તરફથી ફ્લાયઓવર બ્રીજનો પ્રોજેક્ટ હાથ ધરેલ છે. આ પ્રોજેક્ટની ક્ધસલ્ટન્ટન્સી સર્વિસીસ મેળવવા અર્થે અમદાવાદની ડીઈએલએફ ક્ધસલ્ટન્ટીંગ એન્જીનીયર્સ(ઇન્ડિયા) પ્રા. લી.ની નિમણુંક સ્થાયી સમિતિ ઠરાવ નં.-૪૨૧/તા.૩૧-૦૩-૨૦૧૮ થી કરવામાં આવેલ.
સિવિલ હોસ્પિટલ ચોકનું ટ્રાફિક વોલ્યુમ સર્વે કર્યા પછી સ્થળ ઉપર કુવાડવા રોડ, જવાહર રોડ તથા જામનગર રોડ માટે ટ્રાયએન્ગ્યુંલર ફ્લાયઓવરબ્રીજની ફીઝીબીલીટી નક્કી થયેલ છે. આ સ્થળે ફોરલેનનો ફ્લાયઓવરબ્રીજ બનાવતા સર્વિસ રોડની પહોળાઈ ઓછી મળતી હોઈ હયાત ચોવીસ મીટરનો આરઓડબલ્યુને વધારીને ૨૯.૦૦મી કરવાનું નક્કી થયેલ છે.