ચાર બ્રિજ પૈકી એક પણ બ્રિજ માટે નિયત સમય મર્યાદામાં ટેન્ડર ન ઉપડતા દિવાળીની રજાઓનું બહાનુ આગળ ધરી એક સપ્તાહ સુધી મુદ્દત વધારી દેવાઈ
શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે કોર્પોરેશન દ્વારા અલગ અલગ સ્થળોએ બ્રિજ બનાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન કે.કે.વી ચોક, નાના મવા સર્કલ, રામદેવપીર ચોકડી અને જડુસ સર્કલ પાસે ઓવરબ્રિજ બનાવવા માટે ગત ત્રીજી નવેમ્બરના રોજ ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. ટેન્ડરની મુદત વીતી ગઈ ત્યાં સુધી એક પણ એજન્સીએ ટેન્ડર ઉપાડી સબમીટ ન કરતા અંતે મહાપાલિકાને ટેન્ડર સ્વીકારવાની મુદતમાં એક સપ્તાહનો વધારો કરવો પડ્યો છે.
કોર્પોરેશન દ્વારા કે.કે.સર્કલ પાસે રૂા.૯૭.૮૪ કરોડના ખર્ચે મલ્ટીલેવલ ઓવરબ્રિજ, કાલાવડ રોડ પર જડુસ ચોક ખાતે રૂા.૧૯.૭૭ કરોડના ખર્ચે ઓવરબ્રીજ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર નાના મવા સર્કલ પાસે રૂા.૩૦.૪૦ કરોડના ખર્ચે અને રામાપીર ચોકડી ખાતે રૂા.૨૮.૬૩ કરોડના ખર્ચે બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. ટેન્ડર ઉપાડવાની અને સબમીટ કરવાની છેલ્લી તારીખ ૨૦ નવેમ્બર નિયત કરવામાં આવી હતી. આ મુદ્દત સુધીમાં એક પણ એજન્સીએ ટેન્ડર ઉપાડી સબમીટ કર્યું નહોતું. જેના કારણે ટેન્ડરની મુદત એક સપ્તાહ સુધી એટલે કે ૨૭મી નવેમ્બર સુધી વધારી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રામાપીર ચોકડી અને નાના મવા સર્કલ ખાતે બ્રીજ બનાવવા માટે અગાઉ ત્રણ વખત ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા પરંતુ રાજકોટમાં કામ કરવા માટે જાણે એકપણ એજન્સીને રસ ન હોય તેમ એકાદ બે એજન્સીની ઓફર આવી હતી તેમાં પણ ભાવ ખુબ ઉંચો હોવાથી રિ ટેન્ડરીંગ કરવામાં આવ્યું હતું. જ્યારે કે.કે.વી. ચોકમાં મલ્ટીલેવલ ઓવરબ્રિજ બનાવવાના પ્રથમ વખત ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું.